અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં આવેલી પ્રસિદ્ધ દરગાહ હિંદુ મંદિર હોવાનો દાવો કરતી અરજીનો ટ્રાયલ કોર્ટે સ્વીકાર કર્યો છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને 20 ડિસેમ્બરે સુનાવણીનો આદેશ કર્યો છે. હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ મૂળ હિન્દુ પૂજાસ્થાન હોવાના દાવા સાથે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
પક્ષકાર વિષ્ણુ ગુપ્તાએ કરેલી અરજીનો સ્વીકાર કરતાં અજમેર પશ્ચિમ સિવિલ જજ મનમોહન ચંદેલે દરગાહ કમિટી, લઘુમતી બાબતોના વિભાગ તેમજ એએસઆઇને સમન્સ ઇશ્યૂ કર્યું હતું. હવે પછીની મુદતે હાજર રહેવા તેમને આદેશ આપવામાં આવ્યો છે.
સંભલ બાદ અજમેરમાં સરવેની શક્યતા
હિન્દુ પક્ષ દ્વારા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સરવે કરાવવા માગ કરવામાં આવી છે. જો સરવેનો આદેશ અપાશે તો સંભલ મસ્જિદ બાદ અહીં પણ સરવે થવાની શક્યતા છે.
ન્યાયાધીશો દેશને ભડકે બાળવા માગે છે
કાશીમાં જ્ઞાનવાપી, મથુરામાં કૃષ્ણ મંદિરના વિવાદ વચ્ચે ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે મુદ્દે હિંસક દેખાવો હજી શાંત નથી થયા, એવામાં રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ શિવમંદિર પર બનાવાઈ હોવાનો દાવો કરતી એક અરજી કોર્ટમાં મંજૂર કરી મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારતાં દેશમાં ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ સંદર્ભે સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે દોષનો ટોપલો નાની અદાલતોના ન્યાયાધીશો પર નાખતાં કહ્યું કે, નાની અદાલતોના જજ દેશને સળગાવવા માગે છે.
બદાયુ મસ્જિદનો વિવાદ કોર્ટમાં
સંભલ જામા મસ્જિદ હરિહર મંદિર હોવાનો દાવો થતાં થઈ રહેલી સર્વેક્ષણ કામગીરી વખતે થયેલો વિવાદ ચર્ચામાં છે. તે અરસામાં બદાયુમાં નીલકંઠ મહાદેવ વિરુદ્ધ જામા મસ્જિદનો વિવાદ પણ કોર્ટમાં પહોંચી ગયો છે. હિન્દુ પક્ષે બદાયુની જામા મસ્જિદને મુદ્દે દાવો કર્યો છે કે સ્થાન પર પહેલાં નીલકંઠ મહાદેવનું મંદિર હતું.