જૂનાગઢઃ ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ બ્રહ્મલીન થતાં હવે નવા મહંતની નિમણૂકને લઈને છેલ્લા થોડા દિવસથી ભારે વિવાદ વકર્યો હતો. આખરે સરકારે નવા મહંતની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મહંત તનસુખગિરિ બાપુ હસ્તકનાં ત્રણેય મંદિરમાં વહીવટકર્તા તરીકે શહેર મામલતદારની નિયુક્તિ કરીને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા આદેશ કર્યો છે.
અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુનું 19 નવેમ્બરે નિધન થયાના બીજા જ દિવસથી નવા મહંતની નિયુક્તિને લઈને વિવાદ શરૂ થયો હતો, કારણ કે તનસુખગિરિ બાપુએ તેમના કોઈ ગાદીપતિ માટે ચેલા કે શિષ્યની નિયુક્તિ કરી ન હોવાથી 20 નવેમ્બરે અખાડાની 14 મણીની પરંપરા અખાડાના સંતોએ અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગિરિ બાપુના નામની જાહેરાત કરીને ચાદરવિધિ કરી નાખી હતી. જો કે એનાથી તનસુખગિરિ બાપુના પરિવારજનોએ ભારે વિરોધ નોધાવ્યો હતો અને તેઓએ આ મામલાને લઈને અત્યાર સુધીમાં પોલીસમાં બે અરજી પણ કરી છે. ત્યારે અંબાજી મંદિરના નવા મહંતની નિયુક્તિ મામલે જે રીતે છેલ્લા 10 દિવસથી ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુ વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આ વિવાદ સાથે અંબાજી મંદિરના મહંતની નિયુક્તિ મામલે આખરે સરકારે દરમિયાનગીરી કરવી પડી છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે, ગુરુએ બનાવેલી વિલના આધારે તત્કાલીન કલેક્ટરે તનસુખગિરિ બાપુને અંબાજી સહિતના ત્રણેય મંદિરના મહંત તરીકે નિયુક્તિ કરી હતી, પરંતુ તનસુખગિરિ બાપુનું અવસાન થવાથી નવા મહંતની નિયુક્તિ માટે પ્રક્રિયા કરાશે. નવા મહંતની નિમણૂક માટે જરૂરી અરજી મગાવાય છે, જેના વેરિફિકેશન બાદ નવા મહંતની નિમણૂક થતી હોય છે.