ચારુસેટની ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલ

Tuesday 03rd December 2024 05:34 EST
 
 

ચાંગાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)માં નવનિર્મિત મલ્ટિ યુટિલિટી બિલ્ડિંગ અને ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ વાર ડિજિટલ પેપરલેસ પરીક્ષાની નવતર પહેલ કરનારી ચારુસેટને બિરદાવતાં મુખ્યમંત્રીએ પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. ડિવાઇસ ટેબ્લેટ પર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નિહાળી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘ચારુસેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરી રહી છે.’ આ પ્રસંગે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, સોજિત્રાના ધારાસભ્ય અને કેળવણી મંડળના સહમંત્રી વિપુલભાઈ પટેલ, મધ્ય ગુજરાતના ભાજપ અગ્રણી રાજેશભાઇ પટેલ, કેળવણી મંડળ-ચારુસેટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં નવતર પહેલ
સમગ્ર રાજ્યમાં ડિજિટલ પેપરલેસ એક્ઝામની નવતર પહેલ કરનારી ચારુસેટની 9 કોલેજોના 10 હજાર વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા પરીક્ષા આપે છે. આમ ચારુસેટ દ્વારા 625 વૃક્ષોને બચાવી પર્યાવરણનું જતન કરવામાં આવે છે. આ પહેલથી વર્ષે 50 લાખ પેપરના પ્રિન્ટિંગ અને તેના વિતરણ-જાળવણીનો ખર્ચ ઉપરાંત 900થી વધુ માનવ કલાકની બચત થાય છે. વળી આ ટેક્નોલોજીથી પેપક લીકની સંભાવના પણ રહેતી નથી. હાલ ચારુસેટમાં 1250 ટેબલેટ દ્વારા પરીક્ષા લેવાઈ રહી છે. ચારુસેટ પોતે જ સિસ્ટમમાં પ્રશ્નપત્રો, ઓથરિંગ, આન્સર શીટ ઇવેલ્યુએશન વગેરે સેટઅપ કરે છે. મલ્ટિમીડિયા ઓડિયો વીડિયો મૂકી પ્રશ્નો પૂછી શકાય છે.


comments powered by Disqus