પોરબંદર: માર્કેટિંગ યાર્ડ ખાતે ભરશિયાળે કેસર કેરીની આવક થતાં આશ્ચર્ય સર્જાયું છે. યાર્ડ ખાતે 1 બોક્સ કેરીની આવક થઈ હતી, જે રૂ. 8500ના ભાવે હરાજી થઈ હતી. વેપારીઓએ ગુલાબનાં ફૂલ અને પેંડા વડે કેસર કેરીને વધાવી હતી.
વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું કે, બિલેશ્વર ગામે રહેતા નિલેશભાઈ મોરીના ફાર્મથી 1 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. જે બોક્સનું હરાજીમાં કિલોના રૂ. 851 લેખે એટલે કે એક બોક્સના રૂ. 8500ના ભાવે વેચાણ થયું હતું. આમ ડ્રાયફ્રૂટ કરતાં પણ વધારે ભાવે કેરીનું વેચાણ થયું હતું. સામાન્ય રીતે કેરીની સિઝન માર્ચ મહિનાથી શરૂ થાય છે, જેમાં પ્રથમ લોકલ એટલે કે મોડપર, હનુમાનગઢ, ખંભાળા સહિતના વિસ્તારની કેરી બજારમાં આવે છે, જ્યારે ગીરની કેસર કેરીનું આગમન છેક એપ્રિલમાં થાય છે. ફાર્મના માલિક નિલેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ વધુ થયો હોવાથી વાતાવરણ અનુકૂળ છે.