સુરતઃ ભાજપનાં વોર્ડ નં. 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકાબહેન પટેલે રવિવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં તેમણે કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કરીને કહ્યું હતું કે, હું આપઘાત કરી રહી છું. આ વાત સાંભળી ચિરાગ દીપિકાબહેનના ઘરે પહોંચ્યો હતો અને દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ દીપિકાબહેનને હોસ્પિટલે લઈ જવાયાં હતાં, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યાં હતાં.
દીપિકાબહેનના કૌટુંબિક સભ્યોએ ચિરાગ સોલંકીએ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ દીપિકા પટેલના પતિ નરેશભાઈએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા. દીપિકાએ કેમ આપઘાત કર્યો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.
ઉલ્લેખનીય છે કે, ફોન પર બોલાચાલી બાદ દીપિકાએ ચિરાગને કહ્યું હતું કે, હવે મને સ્ટ્રેસ આવે છે અને હું આપઘાત કરી લઉં છું. આ વાત પછી દીપિકાએ ફોન ઉપાડ્યો નહોતો.