ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક સિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. કચ્છ-ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરાયું છે.
પેરિસમાં એવોર્ડ એનાયત કરાયો
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
સૌથી સુંદર 7 મ્યુઝિયમમાં સ્થાન
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો ખાતે દરવર્ષે જાહેર કરાતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમે 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મેળવી વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
શું જોવાલાયક?
સ્મૃતિવનમાં સન પોઇન્ટ, 8 કિ.મી. લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિ.મી. આંતરિક રોડ, સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતી માટે પાર્કિંગ, 300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, મિયાંવાકી પદ્ધતિથી 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. પ્રિક્સ વર્સેઇલ્સ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીમાં અસાધારણ સિદ્ધિ માટે એનાયત કરાય છે, જેમાં મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધા, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
ભૂકંપની અનુભૂતિ કરાવતું થિયેટર
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરાયું છે, જ્યાં ધ્રુજારી, ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.
ભૂકંપમાં જીવ ગુમાવનારની સ્મૃતિરૂપ મ્યુઝિયમ
26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપમાં જ્યારે કચ્છમાં જાન-માલનું મોટું નુકસાન થયું હતું, જેમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિરૂપે સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ કરાયું હતું. સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયા ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અંગે શિક્ષિત કરવા રચાયેલી ઇમર્સિવ ગેલેરી પણ રખાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક સિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. કચ્છ-ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરાયું છે.