રાજકોટઃ શહેરના જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો 7 બિલ્ડિંગ, 11 માળ અને 1400 રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે આ વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યો છે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. જેમાં લંડનથી ખાસ જામજોધપુરના વતની લોર્ડ ડોલર પોપટ પધાર્યા હતા.
સાત સમંદર પાર એવા અનેક દેશો છે, જ્યાં ગુજરાતીતા ગૂંજે છે. જો કે મૂળ સૌરાષ્ટ્રના એક માણસે બ્રિટનમાં એક એવી સિદ્ધિ મેળવી છે જેની નોંધ લેવી પડે. એ છે લોર્ડ ડોલર પોપટ, જેમનાં મૂળ સૌરાષ્ટ્રના જામજોધપુરમાં છે તેવા ડોલરભાઈ ઇંગ્લેન્ડની સંસદમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં બિરાજે છે.
આ સિવાય હાઉસ ઓફ લોર્ડસમાં લોર્ડ મેઘનાદ દેસાઈ અને લોર્ડ ભીખુ પારેખ પણ છે, પરંતુ તેઓ લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે, જ્યારે લોર્ડ ડોલર પોપટ કન્ઝર્વેર્ટિવ પાર્ટીના સૌપ્રથમ ગુજરાતી લોર્ડ છે. તાજેતરમાં જ તેમના ઘનિષ્ઠ મિત્ર અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રાને ત્યાં રાજકોટમાં આવેલા ડોલર પોપટે કહ્યું કે, તેમની પાર્ટીના જે મુખ્ય મુદ્દા છે તેમાં એક છે ભારત સાથેના સંબંધો વધારે મજબૂત અને ઘનિષ્ઠ બનાવવા. લોર્ડ ડોલર પોપટે કન્ઝર્વેટિવ પાર્ટીની તેના એજન્ડાની તો વાત કરી જ, પરંતુ રસપ્રદ વાત તો તેમની પોતાની છે. જો માણસ લગન અને મહેનતથી કંઈ પણ કામ કરે તો ઊંચાઈને આંબી શકે. તેનું ઉદાહરણ લોર્ડ ડોલર પટેલ છે. ડોલરભાઈ કહે છે કે, હું જે કંઈપણ છું તે પૂજ્ય મોરારિબાપુના આશીર્વાદ અને કૃપાથી છું. વર્ષે ત્રણ-ચાર વખત ભારત આવવાનું કારણ પણ તેમનાં દર્શન કરવાની ઇચ્છા જ હોય છે. જે વ્યક્તિ ઇંગ્લેન્ડની સંસદમાં સ્થાન પામ્યા છે, તેમની જીવનકથા રોમાંચક અને કેટલેક અંશે પ્રેરક છે.
ડોલરભાઈ પોપટનો જન્મ યુગાન્ડામાં થયો હતો. તેઓ જ્યારે કુમારાવસ્થામાં પહોંચ્યા ત્યારે ઇદી અમીને વિદેશીઓને-ભારતીયોને દેશનિકાલ કરવા માંડ્યા, સાડા સત્તર વર્ષની વયે કોઈ જ આધાર કે કોઈ નિશ્ચિત ઠેકાણા વગર તેઓ ઇંગ્લેન્ડ આવ્યા. શરૂઆતમાં એક હોટેલમાં કામ કર્યું, દિવસે નોકરી સાંજે એકાઉન્ટન્સીના ક્લાસ કર્યા, 1971માં દુકાન શરૂ કરી, પછી બિઝનેસ ફાઇનાન્સનો કોર્સ કર્યો અને પછી સેટલ થતા ગયા.
વૃદ્ધોની સંખ્યા પોણા ત્રણસો ટકા વધી જશે ત્યારે...
કથાના આરંભે લંડનથી આવેલા લોર્ડ ડોલર પોપટે કહ્યું કે, 22 વર્ષ પછી 35 વર્ષની ઉંમર કરતાં વધારે ઉંમરવાળા લોકોની વસ્તી વધી જશે. આવનારા દિવસોમાં અને વર્ષોમાં ઘડપણમાં જીવતા લોકોને મુશ્કેલી વધશે. આવનારાં વર્ષોમાં 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની સંખ્યા 280 ટકા જેટલી વધશે. 2050 સુધીમાં વૃદ્ધને પરિવાર પણ નહીં સાચવી શકે અને હોસ્પિટલમાં પણ નહીં સાચવી શકાય. મેડિકલની શોધના કારણે ઉંમર વધશે, મૃત્યુઆંક નીચો જશે ત્યારે ઘણી બીમારીઓ એકલતા, ડિપ્રેશન વગેરે ઉત્પન્ન થશે અને એ વખતે વૃદ્ધોને સાચવવા માટે ખાસ આવા પ્રકારના વૃદ્ધાશ્રમોની જરૂર પડશે.
વૃદ્ધાશ્રમ ભારતની સંસ્કૃતિ માટે દુ:ખદ: દેવપ્રસાદજી
જામનગરના આણંદાબાવા સંસ્થાના દેવપ્રસાદજીએ કહ્યું કે, પાંચ દીકરાનાં મા-બાપ વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે પણ પાંચ દીકરીઓની મા ક્યારેય જોવા મળતી નથી. પાંચ દીકરા માતાને પોતાની સાથે રાખવા માટે દિવસો અને સમયના ભાગ પાડે એ દુઃખની વાત છે. ભારતની સંસ્કૃતિ માટે વૃદ્ધાશ્રમ દુ:ખજનક છે, છતાં અહીં એ વ્યવસ્થા થાય છે એ પણ આનંદની વાત છે. આપણે સંસ્કૃતિને પ્રેમ કરતા હોવા છતાં સંગઠિત નથી. પ્રેમ નથી, લાગણી નથી. આપણે એકબીજાના પગ ખેંચવાથી નવરા પડતા નથી. પાછું આપણે ત્યાં માતૃદેવો ભવઃ પણ બોલાય છે! એ સારું છે આવા વૃદ્ધાથમ છે, એટલે ટકી શક્યા છીએ.