ગાંધીનગર: ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે. હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સાકૃતિક ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે. અને આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલાક્ષેત્રે આ 23મો જીઆઈ ટેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા છે.
ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત “જીઆઈએન્ડબિયોન્ડ- વિરાસત સે વિકાસ તક" કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન "ઘરચોળા હસ્તકલા” ને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ઘરચોળા માટે જીઆઈની માન્યતા, પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ જીઆઇ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.