ગુજરાત સમાચારના દેશવિદેશના અવનવા અને કરંટ અફેર્સના વિષયોને સાંકળી લેતા ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતમાં અમેરિકન ઇલેક્શન પર ગહન ચર્ચા કરાઇ હતી. આ કાર્યક્રમમાં અમેરિકાથી પ્રો. ચંદ્રકાંતભાઈ પટેલ, અમેરિકન હોટેલ્સ ઓનર્સ એસોસિએશન (AHOA - ‘આહોઆ’)ના અગ્રણીઓ મહેન્દ્રભાઈ પટેલ, કલ્પેશભાઇ જોશી, નિલેશભાઇ પટેલ અને ગુજરાતથી ‘ગુજરાત સમાચાર’ના ન્યૂઝ એડિટર આર્નોલ્ડ ક્રિસ્ટી અને બ્યૂરો ચીફ નિલેશ પરમાર જોડાયા હતા.
પ્રારંભે આર્નોલ્ડભાઈએ અમેરિકન ચૂંટણી ઇતિહાસ અને ચૂંટણી વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી. આ પછી પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે પ્રો. ચંદ્રકાંતભાઈને અમેરિકાની ચૂંટણી વિશે જણાવવા અનુરોધ કર્યો હતો.
પ્રો. ચંદ્રકાંતભાઈ પટેલઃ અમેરિકામાં 42 વખત ચૂંટણી થઈ છે. 1828માં ડેમોક્રેટિક પાર્ટી સ્થપાઈ જ્યારે 1854માં રિપબ્લિકન પાર્ટીની સ્થાપના થઈ. આમાં મોડો આવે પણ પહેલો બેસે જેવો ઘાટ સર્જાયો છે, એટલે કે 19 વખત રિપબ્લિકન પાર્ટીનો વિજય થયો છે. ડેમોક્રેટિક પાર્ટી 17 વખત જીતી છે, જ્યારે 6 વખત તો કોઈ પાર્ટી હતી જ નહીં અને આ રીતે ચૂંટણી થઈ ન હતી. ભારત સાથે સરખામણી કરીએ તો કોંગ્રેસ પાર્ટી જેવી જ સ્થિતિ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની છે. ડેમોક્રેટિક પાર્ટી દેખાવ ભલે ગમે તે કરે, પરંતુ તુષ્ટિકરણમાં જ માને છે. રિપબ્લિકન પાર્ટીનું વલણ ભાજપની જેમ ખુલ્લું છે, જે માને છે તે જ કરે છે. રિપબ્લિકન પાર્ટી કરવેરા ઓછા રાખવા ને હરીફાઈમાં માને છે. લોકશાહીમાં કોઈ કોર્પોરેટનો એકાધિકાર ન ચાલે, ખુલ્લી હરીફાઈ હોય તો ગ્રાહકોને ફાયદો થઈ શકે.
અમેરિકાના ભારતીય સમાજની વાત કરીએ તો અહીં વિવિધ રાજ્યમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોનું મોટાભાગનાનું વલણ રિપબ્લિકન પાર્ટી એટલે કે ટ્રમ્પ તરફ નમતું દેખાય છે. કેનેડા ખાલિસ્તાનીઓને ટેકો આપે છે ને અમેરિકા પણ આડકતરી રીતે તેમને જ ટેકો આપે છે. આવું બાઇડેન શાસનમાં બને છે, કદાચ ટ્રમ્પના સમયમાં એવું બને નહીં. જ્યોર્જ સોરોસ, ભારતના રાજકીય પક્ષો, વિરોધીઓ અને અમેરિકાના ધનકુબેરોને પણ ભારતની મોદી સરકાર ગમતી નથી આ બધું લોકો જોવે છે અને સમજે પણ છે. આ બધું જોતાં અમેરિકાના ભારતીયોનું વલણ ડેમોક્રેટિક અને ટ્રમ્પ તરફ વધારે લાગે છે.
સી.બી. પટેલઃ રામભાઈ ગઢવી અમેરિકાની આ ચૂંટણીનું તમારી દૃષ્ટિએ આ ચૂંટણીનું મહત્ત્વ શું?
રામભાઈ ગઢવીઃ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ એવું હતું કે તમે આ વખતે વોટ કરો, પછી તમારે વોટ કરવા જ નહીં પડે. એનો અર્થ એ થયો કે તે સરમુખત્યાર થવા માગે છે, ડેમોક્રેસીની હત્યા કરવા માગે છે. ભારતીયોને રિપબ્લિકન પાર્ટી વધારે ગમે છે કેમ કે ગુલામી નાબૂદ કરનારા અબ્રાહમ લિંકન થઈ ગયા અને તેના તરફ ભારતીયોને માન છે. બાઇડેન-ટ્રમ્પની ટક્કરની જુલાઈ સુધી વાત થતી હતી ત્યારે ટ્રમ્પ આગળ હતા, કારણ કે બાઇડેન બોલવામાં ભૂલો કરતા હતા, જે ડિમેન્શિયાના દર્દી હોવાનું દેખાતું હતું. આ ઘટના બાદ પાર્ટીના સિનિયર્સની સલાહથી તેમણે ભારતીય અમેરિકન કમલા હેરિસનું નામ જાહેર કરાયું. કમલા હેરિસનો એક નિર્ણય ખૂબ વખણાયો છે. કમલાએ તેના વાઇસ પ્રેસિડેન્ટપદના ઉમેદવાર તરીકે ટીમ વોલ્ટ પર પસંદગી ઉતારી છે, જે નાના ગામના છે અને ત્યાં જ અભ્યાસ કરી મિલિટરીમાં જોડાયા હતા. તે પ્રોફેસર હતા ને ફૂટબોલનો કોચ પણ હતા. અમેરિકામાં ફૂટબોલ મહત્ત્વની રમત છે અને તેના કોચને લોકો માનભેર જોવે છે. આમ કમલાએ તેના નિર્ણયથી ચૂંટણીનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. જ્યાં ટ્રમ્પ વિવિધ રાજ્યમાં બે હજાર પોઇન્ટથી આગળ હતા, ત્યાં આજે કમલા આગળ છે. બની શકે કે અમેરિકામાં પ્રથમ કમલા મહિલા રાષ્ટ્રપતિ બનશે, જે ભારતીય અમેરિકન છે. આ સ્થિતિ જોતાં મને લાગે છે કે અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી જીતશે.
અમેરિકન ચૂંટણી અંગે રામભાઈ ગઢવીનો દૃષ્ટિકોણ જાણ્યા બાદ સી.બી. પટેલે મહેન્દ્રભાઈ પટેલને પૂછયું કે, આવનારા સમયમાં અમેરિકાના અર્થતંત્રમાં આવનારી ચૂંટણી કેટલી અસર કરશે?
મહેન્દ્રભાઈ પટેલઃ હું અંગતપણે માનું છું કે, ટ્રમ્પે ચાર વર્ષમાં ખૂબ સારું કામ કર્યું હતું, જેમાં ઇકોનોમીને નવી ઊંચાઈ પર લાવ્યા હતા. કમલાની વાત કરું તો આપણને તેમનો અનુભવ નથી. બાઇડેન સમયે કમલાએ એવી કોઈ વસ્તુ નથી કરી કે ઉદ્યોગપતિઓને ફાયદો થયો હોય. કયો ઉમેદવાર આપણા માટે સારો છે તે વિચારું તો ટ્રમ્પ બિઝનેસના દૃષ્ટિકોણથી વધારે અનુકૂળ છે. ઉદ્યોગોને જે નુકસાન થયું છે તેને સુધારવા માટે ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ માટે વધારે સારા ઉમેદવાર ગણું છું, કારણ કે તે પોતે એક ઉદ્યોગપતિ છે.
આ જવાબ સંદર્ભે સી.બી. પટેલે કલ્પેશભાઈ જોશીને પૂછયું હતું કે તમારી નજરે બંને પક્ષમાંથી ભારત સંદર્ભે કોણ વધુ યોગ્ય છે?
કલ્પેશભાઈ જોશીઃ ભારતીયો અમેરિકામાં સૌથી વધુ પ્રગતિ કરનારો સમુદાય છે. અન્ય કોમ્યુનિટી કરતાં ભારતીયોનો આવકદર સૌથી વધુ છે, જેથી અમેરિકામાં ભારતીયોને ખૂબ માન સાથે જોવામાં આવે છે. ભારતની ચૂંટણીમાં કહેવાતું હતું કે સંવિધાન સંકટમાં છે, તો અમેરિકામાં કહેવાય છે કે ડેમોક્રસી ઇન ડેન્જર. આ નરેટિવ ફેલાવનારું કોણ છે તે હજુ આપણે શોધવાનું છે. અમેરિકામાં ડેમોક્રસી ક્યારેય સંકટમાં ન આવી શકે, કારણ કે અમેરિકાનો કાયદો એવી રીતે બનાવાયો છે કે પ્રેસિડેન્ટ સામે પણ કેસ ચલાવી શકાય. ત્યાં સુધી કે ગવર્નર ખોટું કરે તો તેને પણ જેલમાં મૂકી દેવાય છે. ટ્રમ્પ આવતાં ડેમોક્રસીને કોઈ ખતરો નથી. ટ્રમ્પની પર્સનલ લાઇફમાં જોવાની કોઈ જરૂર નથી. ટ્રમ્પ બિઝનેસ, ઇકોનોમી અને દેશનો વિકાસ, ડિફેન્સનું ઇમ્પ્રૂવમેન્ટ... એ તેમના માટે મહત્ત્વપૂર્ણ છે. ડેમોક્રેટિક પાર્ટી લોકોને નિઃશુલ્ક કરી રીતે આપવું, લોકોને પાંગળા કઈ રીતે બનાવવા તેના પર વધુ ધ્યાન આપે છે. કામ કર્યા વિના જ તમને પૈસા મળતા રહેશે તો તમે કામ કરવા જશો જ નહીં, આમ ડેમોક્રેટિક પાર્ટી લોકોને વર્ષોથી પાંગળા બનાવી રહી છે. આ જ કારણ છે કે અમારું અમેરિકામાં ઝીરો મેન્યુફેક્ચરિંગ છે, બધું બહારથી આવે છે. માતૃભૂમિ ભારતને આગળ લાવવા માટે પણ ટ્રમ્પ સરકારથી વધારે ફરક પડશે.
સી.બી. પટેલઃ નિલેશભાઈ પટેલ તમારી દૃષ્ટિએ શું થવું જોઈએ અને શું થાય એમ લાગે છે?
નિલેશભાઈ પટેલઃ કમલા હેરિસ પોતાને ઇન્ડિયન ઓરિજિન કહે છે, પરંતુ આજ સુધી તેમણે ભારતીયો પ્રત્યે એવું કોઇ કામ કર્યું નથી કે ભારતીયોને ફાયદો થયો હોય. કાશ્મીર મુદ્દે કાયમ તેઓ જૂદું અને આપણાથી વિરુદ્ધ વલણ ધરાવે છે. બાઇડેન સરકારમાં હોટેલ-કન્વીનિયન્સ સ્ટોરની દુર્દશા બેઠી છે. હાલ અમારી સપ્લાય કોસ્ટ લગભગ બમણી થઈ ગઈ છે, જે હાઉસ કીપિંગ સ્ટાફ પહેલાં 10થી 12 ડોલરમાં કામ કરતો હતો, આજે તે 15થી 20 ડોલરની માગણી કરે છે. ડેમોક્રેટ્સ નિઃશુલ્ક આપે, રિપબ્લિકન પાર્ટીની તે પોલિસી નથી. રિપબ્લિકન પાર્ટી માને છે કે ઇકોનોમી ગ્રો થાય. આપણે મેક ઇન ઇન્ડિયામાં માનીએ છીએ, તેમ ટ્રમ્પનું માનવું છે કે મેક ઇન યુએસ, અને એટલા માટે જ તેમણે પોતાના ચાર વર્ષના શાસનમાં ચીનને રોકડું પરખાવી દીધું. તે બોલ્ડ હોવાથી લોકોને તેઓ ના પણ ગમે, પરંતુ યુએસ અને યુએસમાં વસતા ભારતીયોના ફાયદા માટે ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ બનવા જોઈએ.
સી.બી. પટેલઃ ચંદ્રકાંતભાઈ અમેરિકાના અર્થતંત્રમાં આશરે 1.4 મિલિયન ગુજરાતી અને 4 મિલિયન ભારતીયોનો ફાળો છે, ત્યારે કયા-કયા ક્ષેત્રે ભારતીયોએ કાઠું કાઢ્યું છે?
ચંદ્રકાંતભાઈ પટેલઃ ભારતીયો મેડિકલ ક્ષેત્રે ખૂબ આગળ આવ્યા છે. કોઈપણ સારી હોસ્પિટલમાં ભારતીય ડોક્ટર કે નર્સ ન હોય તેવું બને જ નહીં. ફાસ્ટફૂડ બિઝનેસમાં પણ ભારતીયો મોટી સંખ્યામાં જોડાયેલા છે.
સી.બી. પટેલઃ કેલિફોર્નિયા કે અન્ય સ્થળોએ મોર્ડન ટેક્નોલોજી કંપનીના વડા ભારતીયો છે, એનું કેટલું મહત્ત્વ અને ભવિષ્ય?
ચંદ્રકાંતભાઈ પટેલઃ એનું ઘણું સારું ભવિષ્ય છે અને હવે તો એ કંપનીઓમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઘણો સારો વિકાસ થયો છે. અમેરિકામાં જાણીતા એઆઈના માણસો છે તેમાંથી કેટલાય ગુજરાતીઓ છે. પ્રવીણભાઈ શેઠનો પુત્ર અમિતભાઈ એઆઇના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે, જેમને ભારતમાં એઆઇ યુનિવર્સિટી કરવા પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ તેમને બોલાવ્યા. તેમને હૈદરાબાદ અને બેંગાલુરુનું આમંત્રણ હતું, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીનું પણ તેમને સૂચન કર્યું હતું.