જૂનાગઢઃ ઇજનેરી કોર્સના એનિમેશન સાથે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તે માટે ગુજરાતી ભાષામાં 100થી વધારે વીડિયો તૈયાર કરનારા જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસર રણજિત કે. પરમારને 5 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે રજતચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. પ્રો. આર.કે. પરમારે શિક્ષણની સાથે કોલેજમાં અનેક કામ કર્યાં છે, જેની નોંધ લઈ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન માટે તેમની પસંદગી કરાઈ છે. તેમનાં કામોમાં કોલેજમાં છાત્રોને સરળતાથી પુસ્તકો મળી રહે તે માટે લાઇબ્રેરીનું જાતે જ ડિજિટલાઇઝેશન અને તેના સોફ્ટવેરનું કાર્ય પણ સામેલ છે. એટલું જ નહીં ઈજનેરીમાં ઉપયોગી પ્રયોગશાળા અને મોડલો પણ જાતે જ બનાવડાવ્યાં છે, જેનો ઉપયોગ કરીને તેઓ ડિપ્લોમા ઇજનેરીના છાત્રોને શિક્ષણ આપે છે.
શિક્ષણક્ષેત્રના કાર્યકાળ દરમિયાન આશરે 2500 છાત્રો તેમના માર્ગદર્શન હેઠળ ભણી ગયા. જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઇજનેરી ક્ષેત્રમાં સતત બે વખત નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન (NBA) નવી દિલ્હી દ્વારા પ્રમાણપત્રો અપાયાં છે. કોલેજમાં ગરીબ પરિવારના છાત્રોને સરળતાથી પુસ્તકો મળી રહે તે માટે બુક બેન્ક પણ શરૂ કરાઈ છે. વિશેષ વાત એ છે કે, 8 વર્ષ પહેલાં તેમણે ગુજરાતમાં પ્રથમ વખત કોલેજના લેડીઝ ટોઇલેટમાં સેનેટરી પેડ મુકાવ્યાં હતાં. આ સમગ્ર શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ રાષ્ટ્રપતિ 5 સપ્ટેમ્બરે તેમને સિલ્વર ચંદ્રક આપી સન્માનિત કરશે.
ગુજરાતમાંથી માત્ર એક જ એવોર્ડ
દરવર્ષે રાષ્ટ્રપતિના હસ્તે 5 સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે તામિલનાડુ દિલ્હી, ચેન્નઈ, વારાણસી, પૂણે, બેંગલુરુ, પુડ્ડુચેરી, ભોપાલ, હૈદરાબાદ, ઇન્દોરથી કુલ 16 શિક્ષકોને સન્માનિત કરાશે. આ 16 શિક્ષકમાં ગુજરાતના જૂનાગઢથી માત્ર એક રણજિત કે. પરમારને રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રક એનાયત થશે.