ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા : સાયના નેહવાલ

Wednesday 04th September 2024 09:44 EDT
 
 

બેડમિન્ટન ટુર્નામેન્ટના પાંચ પ્રતિષ્ઠિત ખેલ છે : ઓલિમ્પિક, વિશ્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાઈ ચેમ્પિયનશિપ અને એશિયાઈ ખેલો.... આ પાંચેય પ્રકારના ખેલમાં ‘બેડમિન્ટન ગર્લ’ તરીકે ઓળખાતી ભારતીય ખેલાડીએ ચંદ્રક મેળવવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા બનેલી એ પ્રથમ ભારતીય ખેલાડી છે અને ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ એ જ છે... ઓળખાણ પડી ?
સાયના નેહવાલને મળો... ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી. ભારતની બેડમિન્ટન ગર્લ વર્ષ ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક વિજેતા. ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી....! આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં ભારતને વિશ્વમાં ઓળખ અપાવનાર શાનદાર સાયના નેહવાલને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયેલી. રમતગમત જગતના સૌથી મોટા સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સાયનાને વર્ષ ૨૦૧૦માં પુરસ્કૃત કરાયેલી. રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ બેડમિન્ટન ગર્લ સાયનાને ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી દેશના ચોથા સૌથી સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવેલી. વર્ષ ૨૦૧૬માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી એને પુરસ્કૃત કરાયેલી.
નાનો પણ રાઈનો દાણો છે સાયના. નાની ઉંમરે સાયના નેહવાલે મોટા વિક્રમ સર્જ્યા. વર્ષ ૨૦૦૩માં જુનિયર સીજેક ઓપન ટુર્નામેન્ટમાં પહેલી જીત મળી એને. વર્ષ ૨૦૦૪માં કોમનવેલ્થ યૂથ ગેમ્સમાં બીજા ક્રમાંકે રહી. વર્ષ ૨૦૦૫માં એશિયન સેટેલાઈટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જીત મેળવી. વર્ષ ૨૦૦૬માં જીતનું પુનરાવર્તન. આ જ વર્ષમાં ફોર સ્ટાર ટુર્નામેન્ટ ફિલિપાઈન્સ ઓપનમાં ભાગ લઈને સોળ વર્ષની કુમળી વયે વિજેતા બની. આ પ્રકારે ખિતાબ જીતનારી ભારતની જ નહીં, એશિયાની પણ પ્રથમ ખેલાડી બની.
જીતનો સિલસિલો આગળ વધ્યો. સાયના નેહવાલે વર્ષ ૨૦૧૧માં સ્વિસ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડમાં વિજય પ્રાપ્ત કર્યો. વર્ષ ૨૦૧૨માં સ્વિસ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ, થાઈલેન્ડ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ અને ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝમાં સાયના વિજેતા બની. ઈન્ડોનેશિયાઈ ઓપનનું ટાઈટલ સાયનાને ત્રીજી વાર મળેલું. આ જ વર્ષે લંડન ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં સાયના કાંસ્ય ચંદ્રક વિજેતા બની. ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની સાયના.. વર્ષ ૨૦૧૪માં ૨૬ જાન્યુઆરીએ ભારતની જ વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુને ઇન્ડિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ ટુર્નામેન્ટમાં પરાજિત કરીને સાયના મહિલા એકલમાં વિજેતા બની. આ જ વર્ષે ચાઈના ઓપન સુપર સીરિઝ પ્રીમિયરમાં વિજેતા બનનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.
સાયનાનો જન્મ ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર ખાતે ૧૭ માર્ચ ૧૯૯૦ના દિવસે થયેલો. માતા ઉષા રાની રાજ્યકક્ષાની બેડમિન્ટન ખેલાડી રહી ચૂકેલી. પિતા હરવીર સિંહ હરિયાણાના કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કામ કરતા. પિતાની વારંવાર બદલીઓ થવાને કારણે એણે ઘણી શાળાઓ બદલવી પડી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ હૈદરાબાદમાં. ઉષા રાનીની બેડમિન્ટનની પ્રતિભા સાયનાને વારસામાં મળેલી. સાયના આઠ વર્ષની હતી ત્યારે જ હરવીર સિંહે લાડકી દીકરીને બેડમિન્ટન શીખવવાનો સંકલ્પ કરેલો. એ સાયનાને હૈદરાબાદના લાલ બહાદુર સ્ટેડિયમ લઈ ગયા. પ્રશિક્ષક
નાની પ્રસાદના માર્ગદર્શન હેઠળ બેડમિન્ટન શીખવા લાગી.
ઉષા રાની અને હરવીર સિંહ સાયનાને બેડમિન્ટનમાં નિષ્ણાત બનાવવા માંગતા હતાં. સાયનાને સારામાં સારું પ્રશિક્ષણ મળે એ માટે એમણે પોતાની જમા પૂંજીની પાઈ પાઈ ખર્ચી નાખી. સાયનાએ બેડમિન્ટનમાં અનેક ચંદ્રક જીત્યા..ઓલિમ્પિક, વિશ્વ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાઈ ચેમ્પિયનશિપ અને એશિયાઈ ખેલો.... બેડમિન્ટન ટુર્નામેન્ટના આ પાંચેય પ્રતિષ્ઠિત ખેલમાં ‘બેડમિન્ટન ગર્લ’ સાયનાએ ચંદ્રક મેળવવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી... શાહરૂખ ખાનની પ્રશંસક એવી સાયનાની ચાહ છે આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રત્યેક બેડમિંટન ટુર્નામેન્ટ જીતવાની. સાયનાની મહત્વાકાંક્ષા છે બેડમિન્ટનના શાહરૂખ ખાન બનવાની... શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે, સાયનાની આકાંક્ષા છે બેડમિન્ટનના બેતાજ બાદશાહ બનવાની...!


comments powered by Disqus