શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થી (આ વર્ષે 7 સપ્ટેમ્બર)ના દિવસથી અનંત ચૌદસ (આ વર્ષે 17 સપ્ટેમ્બર) સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ માહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેમની આરાધના કરાય છે. ગજાનનના આવિર્ભાવ સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૂપ જ દિવ્ય સંદેશ આપનારું છે.
II ગણેશજીનું સ્વરૂપ અને સંદેશ II
ઝીણી આંખો એ સૂચવે છે કે દરેક વસ્તુનું ગણપતિજીની બારીકાઈથી નિરીક્ષણ કરવું અને દરેક વાતનો ઝીણવટથી ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ. તેમની નાની આંખો ઝીણવટથી જોવાની સાથે સાથે ખરાબ ન જોવાનો પણ ઉપદેશ આપે છે. ગણપતિનું મોટું નાક એ સમજાવે છે કે લાંબેથી સૂંઘવું એટલે કે કોઈ પણ બાબતનો દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવા અને તપાસ કરીને નિર્ણય કરવો. વળી, નાક એ પ્રતિષ્ઠાનું સૂચક હોવાથી નાક સાચવીને કામ કરવું. નાક કપાય એટલે કે પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવું કામ ન કરવું જોઈએ. ગણપતિનું નાનું માથું નિરાભિમાની સ્વભાવનું સૂચક છે. તો મોટું પેટ ઉદારતાનું સૂચક છે. કોઈ ગમે તે કહે, પણ બધું પેટમાં ઉતારી દે, ગળી જાય અને શાંત રહે. તેમનું વાહન ઉંદર છે. એનો અર્થ એ કે ઉંદર અવાજ કર્યા વિના ઉપર, નીચે-ઊંડે બધે જ બરાબર ફરી શકે. મહેલમાં પણ સમાય અને ઝૂંપડીમાં પણ ફરી શકે. આમ સમાજનો આગેવાન કે નેતા પણ કોઈ પણ બાબતની ઝીણવટથી તપાસ કરીને દીર્ઘ દષ્ટિથી વિચારનાર હોવો જોઈએ. તે નિરાભિમાની અને ગમેતેવી ટીકાઓ ગળી જાય તેવો હોવો જોઈએ. ઉંદરની માફક ઉપલા-નીચલા ઘરમાં, ઉપર-નીચે, મહેલ અને ઝૂંપડીમાં બધે શાંતિપૂર્વક જઈ શકે તેવો હોવો જોઈએ.
મા-બાપની સેવા એ જ શ્રેષ્ઠ સેવા છે તેવું માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમાજને ઉત્તમ સંદેશ ગણપતિએ આપ્યો છે. ગણપતિને કારણે આપણને મહાભારત જેવો ધાર્મિક-સામાજિક ગ્રંથ મળ્યો છે. ગણપતિનો એક જ દાંત દેખાય છે, કારણ કે મહાભારત લખવા માટે એક દાંત તોડીને તેમણે કલમ બનાવી હતી. આમ, સમાજ માટે દાંત જેવા ઉપયોગી અવયવનો ત્યાગ કર્યો અને તે પણ મહાભારત લખવા જેવા વિદ્યાપયોગી કાર્ય માટે! તેમના માથા પર ચંદ્રમાની શોભા શાંત, શીતળ અને સમતુલિત સ્વભાવનું પ્રતીક છે. ગણપતિનાં બે શસ્ત્ર છે - પાશ અને અંકુશ. પાશ બંધનનું પ્રતીક હોવાથી તે સંસારનાં બંધનથી દૂર રહેવા સૂચવે છે જ્યારે અંકુશ કુટેવો - દુર્ગુણોથી દૂર રહેવા સૂચવે છે.
ગણપતિને પ્રિય વાનગી લાડુ છે જે સંગઠન શક્તિનું પ્રતીક છે અને સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપે છે. સાથે સાથે સમાજમાં સૌ સાથે મીઠાશપૂર્વક રહેવાનો અને આનંદ તથા મૌલિક આહારનો પ્રેરક સંદેશ આપે છે. ગણપતિનું મૌન એ વાણીના સંયમનો ઉપદેશ આપે છે અને સમજાવે છે કે સંયમથી જ સિદ્ધિ મળે છે. ગણપતિને કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકસાનકારક હોવાથી તેઓ તેને નીચે દાબી રાખે છે. તેમના નાક હળનું અને મોટા કાન એ સૂપડાનું પ્રતીક છે. ગણપતિની જીભ દેખાતી નથી એ સૂચવે છે કે જીભનો વધારે પડતો ઉપયોગ આફતો નોતરે છે એટલે જીભ નાછૂટકે બહાર કાઢવી જોઈએ. આમ, ગણેશજીનું પ્રત્યેક અંગ જીવનબોધક ને ચિંતનાત્મક ઉપદેશ આપે છે.
II ગણેશોત્સવની ઉજવણી અને વિસર્જન II
આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરાયું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી, પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી. લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું, જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોકમાન્યના પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં આ પર્વ રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયું. લોકમાન્ય તિલકે ઈ.સ. 1893માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં અને બસ, ત્યારથી જ પરંપરાગત રીતે ઊજવણી શરૂ થઈ. આજે ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઊજવાય છે. ગણેશચતુર્થીએ ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરાય છે, ષોડ્ષોપચાર પૂજા કરી નૈવેદ્ય ધરાવાય છે. એ જ દિવસે કે ત્રીજા, પાંચમા કે દસમા દિવસે સાંજે ગણેશજીની વિદાય-યાત્રા કાઢીને, મૂર્તિનું જળમાં વિસર્જન કરાય છે.
ભારતીય વેદાન્ત પ્રમાણે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ - એમ પાંચ તત્વોના સંયોજનથી સૃષ્ટિના પદાર્થો સર્જાય છે અને તેમનું વિસર્જન થતાં પોતાનાં મૂળ તત્ત્વોમાં એ વિલીન થઇ જાય છે. ગણેશજીના સર્જનમાં અને ગણેશોત્સવ વિસર્જનમાં સૃષ્ટિના સર્જન-વિસર્જનનું સત્ય પ્રગટ થાય છે. પાંચ તત્વોમાં પહેલું જળ ઉત્પન્ન થયેલું. ગણપતિ જળના અધિષ્ઠાતા દેવ છે, તેથી એમનું પૂજન સૌથી પહેલું કરાય છે તો વિસર્જન પણ જળમાં જ કરાય છે. ગણપતિ વિસર્જનમાંથી પ્રગટ થતું એક બીજું સનાતન સત્ય પણ સમજવા જેવું છે. ગણપતિ-વિસર્જન એટલે ગણેશની માટીની મૂર્તિનું વિસર્જન, નહીં કે એ મૂર્તિમાં વિરાજમાન ભગવાન ગણપતિનું! માનવદેહ વિલીન થાય, નાશ પામે કે એનું મૃત્યુ થાય, પરંતુ એ દેહમાં રહેલો આત્મા તો અજરામર છે. એનો કદાપિ નાશ થયો નથી. એનો અર્થ એ થયું કે આપણે માટીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, ભગવાન ગણપતિનું નહીં, ભગવાન તો સદૈવ આપણી સાથે રહે છે. આવી શ્રદ્ધા સાથે વિસર્જન કરાય છે.
આમ, ગણેશ ઉત્સવથી ગણેશજી ઘર – પરિવારનું, રાષ્ટ્રનું, દેશનું, સમાજનું ચોક્કસપણે કલ્યાણ કરે છે. જ્યાં જ્યાં આવા પવિત્ર ઉત્સવ ઊજવાય છે ત્યાં ત્યાં ક્યારેય પણ દુઃખ, સંકટ કે વિઘ્નો આવતાં નથી. હરહંમેશ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, યશ, કીર્તિ, રિદ્ધિ-સિદ્ધિ, બુદ્ધિ અને લાભ-શુભ સદાય વસે છે.