મુંબઈઃ અનેક યુવતીઓનું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું સપનું હોય છે. ઇન્ડસ્ટ્રી ભલે ખૂબ ગ્લેમર ભરેલી હોય, પરંતુ તેમાં અવારનવાર કાસ્ટિંગ કાઉચ, નેપોટિઝમ કે સેક્સ્યુઅલ ફેવરની માગણી થતી હોવાના આક્ષેપ થતા રહે છે. આ વાતો જેટલી ઝડપથી ઊઠે તેટલી જ ઝડપથી દબાઈ પણ જતી હોય છે. જો કે હેમા કમિટીનો અહેવાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તે કાળની વાત કરે છે કે જેની વાતો દબાયેલા અવાજે થતી રહેતી હોય છે. અહેવાલ જાહેર થયા પછી સોશિયલ મીડિયાથી માંડીને રસ્તાઓ પર હોબાળો થવા લાગ્યો છે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોએ આશ્ચર્યમાં મૂકનારા આક્ષેપો કર્યા. અહેવાલ જાહેર થયા પછી પણ વધુ બે અભિનેત્રીએ આરોપ લગાવ્યા છે, જેમણે ભૂમિકા મેળવવા તેમને શું કરવું પડતું હતું તે જણાવ્યું છે.