મોડાસાઃ મેઘરજના રમાડ ખાતે ત્રણ વર્ષ પહેલાં સર્જાયેલા હત્યાકાંડ પર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આ શખ્સ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ત્રણ બાળકોને ડેમમાં ફેંકી તેમની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
રમાડ ગામે 3 સપ્ટેમ્બર 2021ના રોજ પતિ-પત્નીનો કંકાસ આ ખૂની ખેલમાં ફરવાયો હતો. જીવા કચરા ડેડુણ પત્ની જીવી પર વહેમ અને શંકા રાખી અવારનવાર ઝઘડા કરતો હતો. અમદાવાદ ખાતે બિસ્કિટ અને વેફરની ફેક્ટરમાં નોકરી કરતા પતિએ 9 મહિનાની ગર્ભવતી પત્ની જીવી સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ માથાના અને ગરદનના ભાગે કુહાડીના અસંખ્ય ઘા મારી દીધા હતા. પત્નીની હત્યા બાદ જીવો ત્રણ સંતાનો જિનલ ઉ.વ. 9, હાર્દિક ઉ.વ. 7 અને સોનલ ઉ.વ. 2 ને લઈ રાત્રે જ નીકળી ગયો હતો. બાદમાં તેણે ત્રણેય બાળકોને ડેમમાં ડૂબાડી હત્યા કરી નાખી હતી. કોર્ટ દ્વારા આ ઘટનાને ગંભીર ગણી આરોપી જીવાને આજીવન કેદની સજા ફટકારી છે.
પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચાડી ત્રણ બાળકોની કરપીણ હત્યા કરી નાખ્યા બાદ પિતાએ પણ ડેમ નજીક ઝાડની ડાળીએ ફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને લોકોએ બચાવી લીધો હતો.