પર્યુષણ પર્વનો પાવન સંદેશ: ક્ષમાપના

- જયેશભાઈ જે. શાહ, મૈત્રીભાવ ઉપાસક Wednesday 04th September 2024 06:33 EDT
 
 

જૈન ધર્મમાં પર્યુષણ પર્વની આરાધના એ છે આઠ દિવસની અષ્ટાહનિકા,એ આત્મા સાથે જોડાણ કરતી આત્માશુદ્ધિની યાત્રા છે. આ દિવસોમાં અશુભ વિચારો અને અશુભ કાર્યથી મુક્ત થઈને શુભ ભાવો અને ધર્મ આરાધનમાં વૃદ્ધિ કરવી એજ મહાપર્વનો સંદેશો છે.
આઠ દિવસની આરાધનામાં ભાવિકો, તપ, જપ, પૂજા, પ્રતિક્રમણ કરવા દ્વારા આત્મસન્મુખ બને છે. તેમજ ગુરુમુખે પ્રવચન અથવા ધર્મગ્રંથનું શ્રવણ અને વાંચન નિત્ય કરવા દ્વારા આત્મબોધની પ્રાપ્તિ થાય છે.
પર્યુષણ પર્વનું હાર્દ એ ક્ષમાપના છે. જેના મૂળમાં અહિંસા અને જીવમૈત્રીનો ભાવ છે.
ક્ષમા શીતલવાહિની, મિટાવે વેર ને ઝેર
ક્ષમા પરમસુખદાયિની, ભાગે ભવના ફેર
 પર્યુષણ પર્વનો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વ કહેવાય છે. જેમાં આપણા આત્માથી જાણતા અજાણતા કોઈપણ પ્રકારની ભૂલો થઈ હોય કે કોઈપણ આત્માની મન સાથે મનદુ:ખ થયાં હોય તેને અંતર દૃષ્ટિથી યાદ કરીને ક્ષમાભાવની યાચના કરવા પૂર્વક આઠમાં દિવસે સંવત્સરી (વાર્ષિક) પ્રતિક્રમણ દરેક સંઘનાં ભાવિકો કરે છે અને સર્વ જીવોને મિચ્છામીદુક્કડમ (ક્ષમાપના) પાઠવે છે.
ક્ષમાપના રૂપી જલ એ વેરઝેરની
અગ્નિને શાંત કરે છે.
ક્ષમાપના રૂપી ઔષધ એ કાતિલ
કર્મના રોગને દૂર કરે છે.
ક્ષમાપના રૂપી પ્રેમરસ એ સર્વ જીવો
પ્રત્યે સ્નેહભાવ પ્રગટાવે છે.
 ક્ષમાપનાનો દિવ્યબોધ એ જૈન ધર્મનો મહાન ગ્રંથ કલ્પસૂત્રમાં આપેલ શ્રી મહાવીર સ્વામીના જીવન ચરિત્રમમાં દર્શાવેલ છે. આ મહાન ગ્રંથનું પર્યુષણ પર્વમાં દરેક સંઘમાં વાંચન થતું હોય છે. પ્રભુ મહાવીરસ્વામીના જીવન કાળ દરમિયાન અનેક મહા ઉપસર્ગો આવેલા. આ સમયે પ્રભુએ મૌન અને સમભાવ રાખીને ક્ષમાપના કરવા થકી કર્મોથી મુક્તિ મેળવી હતી. પ્રભુ મહાવીરનો આ દિવ્ય સંદેશ જણાવે છે કે શાંતિ અને સમતાનું સુખ પ્રાપ્ત કરવા, બહાર યુદ્ધ કરવાની જરૂર નથી. આપણા દોષોને દૂર કરવા આંતરશત્રુઓ સાથે યુદ્ધ કરવું જેનાથી ક્રોધ, માન, માયા અને લોભને દૂર કરીશું અને હ્રદયથી ક્ષમાભાવને ધારણ કરીશું - તો આપણો આત્મા પરમાત્મા તુલ્ય બની જશે.
 આ મહાન પર્વનો પ્રસાદ એ ક્ષમાપના છે. આ પર્વ ક્ષમાપના પર્વ તરીકે પણ ઓળખાય છે. અહિંસા, મૈત્રી, પ્રેમ અને સદ્દગુણોની માતા એ ક્ષમાપના છે. ક્ષમાપના ભાવોને ધારણ કરીને આપણા મૂલ્ય માનવ જીવનને ઉજજવલ બનાવીએ.
 પર્યુષણ પર્વનો ક્ષમાપનાનો સંદેશ- શ્રી મહાવીરસ્વામીનું ભવ્ય અને પાવન ધામ, શ્રી ઓશવાલ સેન્ટર, પોટર્સબાર તરફથી પાઠવું છું


comments powered by Disqus