પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટિ રેપ ‘અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ-2024’ પસાર

Wednesday 04th September 2024 05:55 EDT
 
 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે 3 સપ્ટેમ્બરે એન્ટિ રેપ બિલ અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024 પસાર કરાયું. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર દોષિતને ફાંસી અપાશે. હવે બિલને રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે, તેમની સહી બાદ એ કાયદો બની જશે.
એન્ટિ રેપ બિલની જોગવાઈઓ
અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024નો હેતુ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે. પ્રસ્તાવિત બિલ કાયદા હેઠળ બળાત્કાર સંબંધિત કેસમાં 21 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની છે, જે 15 દિવસ સુધી લંબાવી શકાય છે. બળાત્કારના કેસમાં જો પીડિતા મૃત્યુ પામે અથવા કોમામાં જાય તો દોષિત વ્યક્તિ માટે 10 દિવસમાં મૃત્યુદંડની જોગવાઈ હશે. આ બિલ જિલ્લાસ્તરે ‘સ્પેશિયલ ટાસ્કફોર્સ’ની રચનાનું પણ સૂચન કરે છે, જેને ‘અપરાજિતા ટાસ્કફોર્સ’ કહેવાશે. એનું નેતૃત્વ ડેપ્યુટી એસપી સ્તરના અધિકારી કરશે.
લાગુ કરવાની જવાબદારી અમારીઃ મમતા
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમે કેન્દ્રીય કાયદામાં રહેલી છટકબારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષે રાજ્યપાલને ખરડા પર હસ્તાક્ષર કરવા માટે કહેવું જોઈએ, ત્યારબાદ એને લાગુ કરવાની જવાબદારી અમારી છે.
બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે
જુનિયર ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ મમતાએ કહ્યું છે કે, યાદ રાખજો જો બંગાળ સળગ્યું તો આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ ચૂપ નહીં રહે. બંગાળને સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે. મમતાનાં નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવી તેમની સામે ફરિયાદ નોંધાવાઈ છે.


comments powered by Disqus