પાટણઃ પાટણ સહિત રાજ્યભરમાં વસતા લેઉવા પાટીદાર સમાજના યુવા સંગઠન દ્વારા સમાજની દીકરીઓને સર્વાઇકલ કૅન્સરથી બચાવવા માટે સામૂહિક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 2300 દીકરીઓનું પરીક્ષણ કરતાં 586 દીકરીમાં ઇન્ફેક્શન તેમજ 45 દીકરીમાં શંકાસ્પદ કેન્સરનાં લક્ષણો મળી આવ્યા હતા. શંકાસ્પદ દીકરીઓના વધુ રિપોર્ટ કરાવતાં 6 દીકરીને પ્રિકેન્સર અને 2 દીકરીને બીજા અને ત્રીજા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું હતું.
દર 51મી દીકરીમાં સર્વાઇકલ ઇન્ફેક્શન
ડો. નૈસર્ગી પટેલે જણાવ્યું કે, સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર હાલમાં દીકરીઓમાં અને મહિલાઓમાં ઝડપથી પ્રસરી રહ્યું છે. જેમાં સૌથી ચિંતાનો વિષય છે કે આ કેન્સર થયા બાદ કોઈ લક્ષણો છેલ્લા સ્ટેજ સુધી દેખાતા નથી. 2300 દીકરીઓનું સામૂહિક પરીક્ષણ કર્યું, જેમાં 586 એટલે કે દર 51મી દીકરીમાં તેનું ઇન્ફેક્શન મળ્યું હતું.
અન્ય સમાજે પણ લીધી પ્રેરણા
પાટણમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌપ્રથમ 550 દીકરીને સર્વાઇકલ કેન્સર રક્ષક રસી અપાઈ હતી, જેની પ્રેરણા લઈ અન્ય સમાજો દ્વારા પણ રસીકરણ શરૂ કરાયું છે. જેમાં પાટણ મોઢ મોદી જ્ઞાતિ દ્વારા 213 દીકરીને રસી અપાઈ હતી, જે બાદ નાનાબાર કડવા પાટીદાર સમાજે વિવિધ સ્થળે કેમ્પ કરી 214 દીકરીને રસી આપી છે. સમાજનાં મહિલા ડોક્ટર દ્વારા તમામ 631 દીકરીની તાત્કાલિક સારવાર શરૂ કરાવી હોઈ કેન્સર આગળ પ્રસરતાં અટકશે અને ગંભીર સર્વાઇકલ કેન્સર જેવી બીમારીથી આ દીકરીઓ હવે બચશે.