વાવઃ ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા હવે કોરોના કાળમાં અનાથ બનેલાં તેમજ અન્ય પીડિત બાળકોની દેખરેખ રખાશે. જેના માટે જિલ્લા પોલીસવડા દ્વારા 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે, જેઓ નિયમિત રીતે આવાં બાળકોની મુલાકાત લેશે.
અનાથ બનેલાં બાળકોને સુરક્ષાત્મક વાતાવરણ આપવાના હેતુથી પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ ચેરમેન ચાઇલ્ડ વેલફેર કમિટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 મુજબ 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર હવેથી આ પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થી બાળકોની સમયાંતરે મુલાકાત કરશે અને તેમની કાળજી અને રક્ષણને લગતી બાબતોનું નિરીક્ષણ કરશે.
ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ વિભાગ, ચેરમેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બનાસકાંઠામાં જિલ્લા પોલીસવડા દ્વારા સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. બાળસુરક્ષા એકમ અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અંતર્ગત 1900 બાળકોને દરમહિને શિક્ષણ માટે રૂ. 3000ની સહાય આપે છે.