વડોદરાઃ છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદના કારણે વડોદરા મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની હતી. નદીના કાંઠા તોડી ચૂકેલી વિશ્વામિત્રી નદીના પૂરમાં અડધું વડોદરા જળમગ્ન બન્યું હતું. કેટલાક વિસ્તારમાં તો 8થી 10 ફૂટ પાણી ભરાઈ જતાં લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળવામાં પણ ફાંફાં પડી ગયાં હતાં. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ મોટાપાયે રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતાં લોકોના જીવ પર જોખમ સર્જાયું હતું. ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીમાં પૂર આવતાં વડોદરાનાં મહારાણી રાધિકા રાજે રાજવીએ પંરપરા જાળવતાં વડસર પાસે વિશ્વામિત્રી નદીની પૂજા કરી હતી અને વિશ્વામિત્રીને ખમ્મા કરવા પ્રાર્થના કરી હતી. ખેડાના નડિયાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયું હતું. કેટલાક વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા સ્થાનિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.