ભુજઃ કચ્છમાં એકતરફ અતિવૃષ્ટિના રેડએલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો, તો બીજી તરફ ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ‘ઓગણતાં’ એટલે કે ઓવરફ્લો થતાં ભુજવાસીઓ આનંદમાં આવી ગયા હતા. હમીરસર છલકાવાની ખુશીમાં ભુજની સરકારી કચેરીઓમાં 29 ઓગસ્ટની જાહેર રજા આપવા સાથે વધામણાં કરવામાં આવ્યાં હતાં.
હમીરસર છલકાવા સાથે ભારે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસતાં હાલાકીનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. કચ્છમાં ભારે વરસાદ વચ્ચે 28 ઓગસ્ટે રાત્રે 11:15 વાગ્યે ભુજનું હમીરસર તળાવ ઓવરફલો થયું હતું. મહત્ત્વનું છે કે, મુખ્યમથક ભુજમાં હમીરસર છલકાવાની શહેરીજનો અને કચ્છવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે બુધવારે રાત્રે 11:15 વાગ્યે શુભ સમાચાર મળતાં તેઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. હમીરસર છલકાયા બાદ 29 ઓગસ્ટે નવાં નીરને વધાવી લેવાયાં હતાં.
હમીરસર છલકાવાનો ઇતિહાસ જોઈએ તો વર્ષ 1979, 1980, 1981માં હમીરસર છલકાયું હતું અને ત્યારબાદ આ વર્ષે ફરી હેટ્રિક થઈ છે.
વર્ષ 2022, 2023, 2024 એમ સતત ત્રણ વર્ષ હમીરસર તળાવ છલકાતાં લોકોની ખુશી પણ ત્રણ ગણી થઈ છે.