રાજકોટઃ માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કેટથી ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ‘આઇ કિલ્ડ માય મોમ, મિસ યુ મોમ’ સ્ટેટસ મૂક્યું હતું. ગાંધીગ્રામ-2 પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. માતા અવારનવાર ધમાલ મચાવી, અપશબ્દો બોલી ઝઘડા કરતાં હોવાથી કંટાળીને તેની હત્યા કર્યાનું આરોપી પુત્રએ પોલીસ સમક્ષ રટણ કર્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસી ક્વાર્ટરમાં રહેતાં જ્યોતિબહેન જશવંતગર ગોસાઈની વહેલી સવારે તેનાં પુત્ર નિલેશે બ્લેન્કેટથી ગળેટૂંપો દઈ હત્યા નીપજાવ્યા બાદ પોતાના એક મિત્રને કોલ કરી આ અંગે જાણ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં નિલેશે પોલીસને જણાવ્યું કે, તે દોઢ વર્ષનો હતો ત્યારે માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા બાદ તે માતા સાથે રહેતો હતો, પરંતુ માતાની માનસિક હાલત ઠીક ન હોવાથી તેને વૃદ્ધાશ્રમમાં રખાયાં હતાં. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ દાખલ કરાયાં હતાં, જેને કારણે તેને કચ્છના હોમ ફોર બોય્ઝમાં મોકલી દેવાયો હતો. પુખ્તવયનો થતાં હોમ ફોર બોય્ઝમાંથી બહાર આવીને માતાની સાથે રહેવા લાગ્યો હતો. માતાની માનસિક બીમારીની દવા ઘણા સમયથી ચાલુ હતી, પરંતુ તેની માતાએ દવા લેવાનું બંધ કરતાં આડઅસરરૂપે તેનાં માતા ધમાલ મચાવી અપશબ્દો પણ બોલતાં હતાં. આ જ પ્રકારે માતાએ રાત્રે ફરી ધમાલ મચાવી, ઝઘડો કરતાં આવેશમાં આવી વહેલી સવારે પુત્ર નિલેશે તેની બ્લેન્કેટથી ગળેટૂંપો દઈ હત્યા કરી હતી.