યુકેમાં નાઇફ ક્રાઇમ અને શોપ લિફ્ટિંગ એમ બે પ્રકારના અપરાધ માઝા મૂકી રહ્યાં છે. સ્થાનિક સ્તરની ઇકોનોમી ધબકતી રહે તે માટે નાના વેપાર ધંધા અત્યંત મહત્વના છે પરંતુ શોપ લિફ્ટિંગના દુષણે તેમની દુર્ગતિ કરી નાખી છે અને એમ પ્રતીત થઇ રહ્યું છે કે સરકાર અને પોલીસ બંને આ દુષણ સામે હાથ પર હાથ મૂકીને બેસી રહે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે 2023માં શોપ લિફ્ટિંગની ઘટનાઓ વિક્રમજનક સપાટી પર પહોંચી હતી. આ વર્ષમાં શોપ લિફ્ટિંગના 4,30,000 કરતાં વધુ કેસ નોંધાયા હતા જે દર્શાવે છે કે આ દુષણ એક મહાદાનવનું સ્વરૂપ હાંસલ કરીને વેપાર ધંધાને ગ્રસી રહ્યો છે. મોટાભાગની રિટેલ ચેઇન, સુપર સ્ટોર, નાના દુકાનદારો આ મહાદાનવથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. 1 સપ્ટેમ્બર 2022થી 31 ઓગસ્ટ 2023 વચ્ચેના સમયગાળામાં શોપ લિફ્ટિંગની ઘટનાઓ 8 મિલિયનથી બમણી થઇને 16.7 મિલિયન પર પહોંચી હતી જેના કારણે રિટેલ બિઝનેસને 1.8 બિલિયન પાઉન્ડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એવું નથી કે શોપ લિફ્ટિંગને ડામવાના કાયદા અમલમાં નથી. 200 પાઉન્ડ કરતાં ઓછી ચોરી માટે દંડ અને-અથવા જેલની 6 મહિનાની સજા અને 200 પાઉન્ડ કરતાં વધુ રકમની ચોરી માટે મહત્તમ 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ છે. તેમ છતાં દેશમાં શોપ લિફ્ટિંગમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આ માટે અપરાધીઓ પ્રત્યે પોલીસનું લચર વલણ મુખ્યત્વે જવાબદાર છે. શોપ લિફ્ટિંગના કેસોમાં મોટાભાગે પોલીસ તપાસ કરવાનું ટાળતી રહી છે જેના કારણે શોપ લિફ્ટર પણ બેફામ બન્યાં છે. બીજીતરફ ડ્રગ્સ સહિતના વ્યસનોના રવાડે ચઢેલી અને કામધંધો ન કરતી યુવાપેઢી પણ આ દુષણને વકરાવવામાં મોટું યોગદાન આપી રહી છે. તેઓ દુકાનોમાંથી વસ્તુઓની ઉઠાંતરી કરી ફેસબુક, વોટ્સએપ ગ્રુપ અથવા તો સ્થાનિક સ્તરે વેચી દઇને પોતાના વ્યસનોની આપૂર્તિ કરતા હોય છે. બીજો એક ગંભીર આરોપ તો એસોસિએશન ઓફ કન્વિનિયન્સ સ્ટોર્સ દ્વારા મૂકાયો છે કે સમગ્ર દેશમાં નાના દુકાનદારો પણ હવે ઉઠાવગીરો પાસેથી સસ્તામાં ઉઠાંતરી કરેલી વસ્તુઓની ખરીદી કરી રહી છે. જેના કારણે રીઢા શોપ લિફ્ટર્સને પ્રોત્સાહન પ્રાપ્ત થઇ રહ્યું છે. કેટલાંકે તો શોપ લિફ્ટિંગને પ્રોફેશન તરીકે જ અપનાવી લીધું છે. આ દુષણના કારણે રિટેલ બિઝનેસમાં રહેલા ભારતીય મૂળના લોકોને ઘણું વેઠવાનો વારો આવી રહ્યો છે. અગાઉની સુનાક સરકારે આ દુષણને ડામવા માટે કાયદા કડક બનાવવાની પહેલનું આશ્વાસન આપ્યું હતું પરંતુ સરકાર બદલાઇ જતાં હવે આ જવાબદારી સ્ટાર્મર સરકાર પર છે. હવે જોવાનું રહ્યું કે તેઓ આ દુષણને ડામવા માટે કેવી અસરકારક નીતિ અપનાવે છે.