તાજેતરમાં સાઉથપોલ હત્યાકાંડ બાદ યુકેમાં ફાટી નીકળેલી ફાર રાઇટ્સ હિંસાએ દેશમાં પ્રબળ બની રહેલી કટ્ટર જમણેરી વિચારધારાના ચેતવણીજનક સંકેત આપ્યાં છે. ફક્ત યુકેમાં જ નહીં પરંતુ યુરોપના અન્ય દેશોમાં પણ ફાર રાઇટ્સ મજબૂત બનીને સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી રિજિયોનલ સ્ટેટ ઇલેક્શનમાં બીજા વિશ્વયુદ્ધ અને નાઝી પતન પછી પહેલીવાર જમણેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રવાદીઓ ચૂંટાઇ આવ્યાં છે. આ પહેલાં જુલાઇમાં ફ્રાન્સમાં યોજાયેલી ચૂંટણીમાં ફ્રાન્સના મતદારોએ જમણેરી રાષ્ટ્રવાદીઓની તરફેણમાં મતદાન કર્યું હતું. યુકે, જર્મની અને ફ્રાન્સ યુરોપના અત્યંત મહત્વના દેશો છે અને તેમાં જમણેરી કટ્ટરવાદનો ઉદય સમગ્ર વિશ્વ માટે ચિંતાનો સંકેત આપે છે. દાયકાઓથી યુરોપમાં કટ્ટરવાદ જવલ્લે જ માથું ઊંચકી શક્યો હતો. યુરોપના દેશોમાં ડાબેરી, જમણેરી કે મધ્યમવાદી રાજકીય પાર્ટીઓ વધતે ઓછે અંશે પ્રભુત્વ ધરાવતી હતી પરંતુ તાજેતરના વર્ષોમાં કેટલીક રાજકીય પાર્ટીઓ મુખ્યપ્રવાહથી અલગ જમણેરી કટ્ટરવાદી વલણ અપનાવતી જોવા મળી રહી છે. યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં પણ ફાર રાઇટ્સે કરેલી આગેકૂચે યુરોપના રાજકીય ભાવિની દિશા પર જ સવાલો સર્જી દીધાં છે. આમ તો 720 સભ્યની યુરોપિયન સંસદમાં લિબરલ,સોશિયાલિસ્ટ અને મધ્યમવાદી પાર્ટીઓએ બહુમતી જાળવી રાખી છે પરંતુ ફાર રાઇટ્સનો ઉદય ગ્લોબલાઇઝેશન અને ઇમિગ્રેશન પ્રત્યેના અસંતોષનું પ્રતિબિંબ પાડી રહ્યો છે. યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોમાં રૂઢિચુસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. ઇટાલી અને સ્લોવાકિયામાં ફાર રાઇટ પાર્ટીઓ સત્તામાં છે તો ફિનલેન્ડ, સ્વિડન અને નેધરલેન્ડમાં ફાર રાઇટ પાર્ટીઓ ગઠબંધન સરકારનો હિસ્સો છે. યુકેમાં પણ જુલાઇમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં ભલે ડાબેરી ઝોક ધરાવતી લેબર પાર્ટી સત્તામાં આવી હોય પરંતુ નાઇજલ ફરાજના નેતૃત્વ હેઠળની જમણેરી વિચારધારા ધરાવતી રિફોર્મ પાર્ટીને મળેલા 14 ટકા મત સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. યુરોપમાં જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટીઓની વધી રહેલી લોકપ્રિયતા આર્થિક અને ઇમિગ્રેશનના મોરચે મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીઓની નિષ્ફળતા પણ જવાબદાર ગણી શકાય. ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન અને હવે પેલેસ્ટાઇનમાં પશ્ચિમના દેશોની નીતિઓના કારણે સર્જાયેલી રાજકીય અસ્થિરતાએ યુરોપ તરફ માઇગ્રન્ટ્સના પ્રવાહને વધાર્યો છે. જેની સામે જમણેરી કટ્ટરવાદીઓના ભવાં ખેંચાયેલા છે. તેઓ આનો ઉપયોગ જનતાને ઉશ્કેરીને પોતાના રાજકીય હિતો સાધવા માટે પણ કરી રહ્યાં છે. બીજીતરફ મુખ્યપ્રવાહની રાજકીય પાર્ટીઓ પણ પોતાના મતદારોને સાધી રાખવા માટે જમણેરી કટ્ટર વિચારધારાના અંશોને આત્મસાત કરી રહી છે. યુરોપ જમણેરી કટ્ટરવાદ સામે ક્યાં સુધી બાથ ભીડી શકે છે તે તો હવે આગામી સમય જ કહી શકશે.