કોઇપણ દેશમાં કલ્યાણ યોજનાઓના આકાર અને અંદાજ માટે લાભાર્થીઓની સંખ્યા નક્કી કરવા વસતી ગણતરી અત્યંત મહત્વનું આયામ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં દર 10 વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ભારતમાં વર્ષ 2011 પછી એટલે કે 14 વર્ષથી વસતી ગણતરી જ કરાઇ નથી. 2021માં કોરોના મહામારીના કારણે વસતી ગણતરી મોકુફ રખાઇ પરંતુ ત્યારબાદ પણ સરકાર તે દિશામાં કોઇ પગલાં લઇ રહી નથી ત્યારે હવે જાતિ આધારિત વસતી ગણતરીનો ફણીધર ફૂંફાડા મારવા લાગ્યો છે. ભાજપના સાથી પક્ષો જદયુ અને લોજપા ઉપરાંત કોંગ્રેસ અને રાજદ સહિતના વિપક્ષો લાંબા સમયથી જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યાં છે. જોકે મોદી સરકાર હંમેશા આ માગણીનો વિરોધ કરતી રહી છે પરંતુ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ જાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરતાં મોદી સરકાર માટે મુશ્કેલીમાં વધારો થયો છે. સંઘે જણાવ્યું છે કે તમામ પ્રકારની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે સૌથી પછાત લોકોની સંખ્યા સરકાર પાસે હોય તે જરૂરી છે. સંઘના સમર્થન બાદ હવે દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીની માગ વધુ બુલંદ બનશે તે વાતમાં કોઇ શંકા નથી. મોદી સરકાર 2025ના પ્રારંભે દેશમાં વસતી ગણતરી કરાવે તેવી સંભાવના છે પરંતુ હવે તેને જાતિ આધારિત વસતી ગણતરીની દિશામાં પણ સક્રિય રીતે વિચારણા કરવી પડશે.