ભારતીય સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી માટે 18 એકરમાં વિસ્તરેલા અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ધરાવતા ધ નવનાત સેન્ટર સિવાય બીજું કયું યોગ્ય સ્થળ હોઈ શકે. હવામાન વિભાગે આ દિવસે ભારે વરસાદ આવવાની આગાહી કરી હોવાં છતાં, આ શનિવારના ઈવેન્ટ અને તેમાં ભાગ લેનારા દેશપ્રેમીઓના ઉત્સાહ અને ભાવનાને જરા સરખી પણ આંચ આવી ન હતી. ઉત્સાહસભર લોકો જોશપૂર્ણ ભારતીય વસ્ત્રો પરિધાન કરીને આવતા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં અનેરો રોમાંચ અને ગર્વ છવાયેલો હતો. ગુજરાત, પંજાબ, તામિલનાડુ, આસામ, બંગાળ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સાંસ્કૃતિક પરફોર્મન્સીસ આપવા માટે સ્ટેજ તરફ જઈ રહી હતી તે દૃશ્ય જ અનોખું હતું. લંડનના હાર્દસમા વિસ્તારમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતાના તાણાવાણા સાથેનું પોત પ્રદર્શિત થઈ રહ્યું હતું તે સુંદર અને ભાવવાહી દૃશ્ય હતું.
હું તો સવારે 10 વાગ્યાની આસપાસ ઈવેન્ટના સ્થળે પહોંચી ગયો હતો અને ગ્રાઉન્ડ ભીનું હતું અને ઝરમર વરસાદ પડતો હતો છતાં, મુલાકાતીઓનો ઉત્સાહ અનુભવી શકાતો હતો. નવનાત સેન્ટર વિશાળ પ્રમાણમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીથી ઘેરાયેલું છે. એવું લાગતું હતું કે સમગ્ર નેબરહૂડ આ દિવસનું સન્માન કરવા એકત્ર થઈ ગયું હતું અને આપણામાંથી મોટા ભાગના લોકો આપણે વિશ્વમાં કોઈ પણ સ્થળે હોઈએ છતાં, આપણી માતૃભૂમિ સાથે કેટલી લાગણીથી જોડાયેલા છે, કેવો ઊંડો સંબંધ ધરાવીએ છીએ તેનો આ દેખીતો પુરાવો હતો.
હું ભવનના ડો. નંદકુમારાજીની સાથે ઉભો હતો અને ધ્વજારોહણ સમારંભની પ્રતીક્ષા કરી રહ્યા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીના શિરે ભારતીય તિરંગાને ફરકાવવાની કામગીરી હતી. ધ્વજારોહણ કરતી વખતે થોડી ટેક્નીકલ મુશ્કેલી સર્જાઈ પરંતુ, તેનાથી તેમની સજ્જતામાં કોઈ ફરક દેખાયો નહિ અને તેમણે આ દિવસને અનુરૂપ મક્કમ નિર્ધાર અને ભાવના સાથે સ્વસ્થતા જાળવી રાખી હતી. હાઈ કમિશનરની સાથે જ મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન શ્રી દીપક ચૌધરી પણ ઉભેલા દેખાયા અને તેઓ પ્રત્યેક સ્ટોલની મુલાકાત લેવાની સાથોસાથ દરેક સાથે ઉષ્માપૂર્ણ અને ઉત્સાહસભર મુલાકાત અને અભિવાદન કરતા હતા ત્યારે બંને મહાનુભાવની ઊર્જા સ્પષ્ટપણે નજરે પડતી હતી. પરિચિત ચહેરાઓ, ખાસ કરીને રવિ શર્મા અને અન્ય મહાનુભાવોને નિહાળતા આનંદ અનુભવાયો અને આ તમામનો આદર સાથે સત્કાર કરાયો હતો.
ઈન્ડિયા હાઉસ સાથે મારો નાતો ઘણો પુરાણો છે. મેં નવેમ્બર 1966ના રોજ આ ધરતી પર પહેલી વખત પગ મૂક્યો ત્યારથી શરૂ કરીને યુકેસ્થિત ઘણા હાઈ કમિશનરો સાથે મુલાકાતનું સૌભાગ્ય સાંપડ્યું છે. હું દાર-એ-સલામથી વહેલી સવારે હીથ્રો વિમાનીમથકે ઉતર્યો હતો. મેં LLB ના અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ લંડન અને બાર-એટ-લોના અભ્યાસ માટે ફી ભરી તેમજ સ્થાનિક સ્ટુડન્ટ તરીકે લિંકન ઈનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યાંથી ચાલતા જઈ શકાય તેટલા અંતરે આવેલા ઈન્ડિયા હાઉસની મેં પ્રથમ વખત મુલાકાત લીધી હતી.
આ નવા દેશમાં મારી યાત્રાનો આરંભ રસેલ સ્ક્વેર નજીક ઈટાલિયન કાફેની મુલાકાત લેવા સાથે થયો હતો. મને નવેમ્બરની હાડ ધ્રૂજાવતી ઠંડી સવારમાં કાફેની ગરમાશ, મેં ઓર્ડર કરેલો ચાનો એક કપ અને ચીઝ રોલ, બરાબર યાદ છે જેની કિંમત 1 શિલિંગ અને 9 પેન્સ (આજના 10 પેન્સથી પણ ઓછું) ચૂકવી હતી. આ જ દિવસે મોડાં હું ઈન્ડિયા હાઉસ પહોંચી ગયો હતો. તે સમયે ત્યાં લોઅર ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીન હતી જ્યાં ભારે સબસિડી સાથેના દરે સ્વાદિષ્ટ ભારતીય ખોરાક મળતો હતો. આ એવું સ્થળ હતું જ્યાં કોઈ પણ ભારતીય મૂળની વ્યક્તિ તેમજ અન્યો પણ વર્તમાનની સલામતીની ચિંતા વિના જ અંદર જઈ શકતા હતા. મને ત્યારે લીધેલા પ્રથમ ભોજનની ઝાંખી યાદ છે - મોટી સાઈઝના શાકાહારી સમોસા, ભારતીય મીઠાઈ અને એક મગ ભરીને ચા (આ બધાની કુલ કિંમત 2 શિલિંગ) એવી ઉષ્મા સાથે પીરસાઈ હતી કે આ નવા દેશમાં પણ મને હું ઘરમાં જ હોઉ તેવી અનુભૂતિ થઈ હતી. આવકારપૂર્ણ વાતાવરણ અને પરિચિત ખોરાકના સંતોષ સાથે ઈન્ડિયા હાઉસ મારા માટે અને મારા જેવા અન્ય લોકો માટે આશરો બની રહ્યું હતું.
આ પોતીકાપણાની લાગણી મારાથી કદી અલગ થઈ નથી. વર્ષો વીતવા સાથે ઈન્ડિયા હાઉસમાં થતા ફેરફારો મેં નિહાળ્યા છે પરંતુ, યુકેમાં ભારતીયો માટે દીવાદાંડી સમાન આશરાની તેની ભૂમિકા બદલાઈ નથી અને યુકેમાં ભારતીય કોમ્યુનિટી માટે આધારશિલા બની રહી છે.
ગત શનિવારે હું નવનાત સેન્ટરથી પરત ફરી રહ્યો હતો ત્યારે મને ગર્વ અને પુરાણા સ્મરણોની ભરપૂર લાગણી અનુભવાતી હતી. આ ઈવેન્ટ મારા માટે 1966થી આરંભ કરાયેલી મારી યાત્રાની હૃદયસ્પર્શી યાદ બની રહ્યો હતો. તમામ પ્રકારના પરિવર્તનો અને પડકારોનો સામનો કરવો પડવા છતાં આપણી કોમ્યુનિટીના સાંસ્કૃતિક કાર્યક્રમો આપણને આપણા મૂળિયાં સાથે કેવી રીતે જોડી રાખે છે તેમજ આપણે વિશ્વમાં કોઈ પણ સ્થળે હોઈએ છતાં ભારત અને તેની પ્રજાના ચિરસ્થાયી ઉત્સાહી મિજાજનો તેનો સ્વાનુભવ થયો. (ક્રમશઃ)