ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પહેલી વાર પોતાના જન્મદિવસે ગુજરાત આવશે. 16 અને 17 સપ્ટેમ્બર દરમિયાન તેઓ મેટ્રોના બીજા તબક્કાના લોકાર્પણની સાથે સીપી કચેરીનું ઉદ્ઘાટન, ગ્રીન એનર્જી સમિટની અધ્યક્ષતા કરશે.
• દ.આફ્રિકામાં ગુજરાતી વેપારીને મારી લૂંટ ચલાવીઃ દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં ભરૂચના કબોલી ગામના શબ્બીર આમોદવાલાની દુકાનમાં બુકાનીધારી નિગ્રો લુટારુઓની ટોળકી આવી હતી, અને વેપારી સહિત દુકાનમાં રહેલા અન્ય એક વ્યક્તિને મારમારી લૂંટ ચલાવી હતી.
• કેયન્સ કંપની સાણંદમાં રૂ. 3,300 કરોડનો સેમિકંડક્ટર-ચિપનો પ્રોજેક્ટ સ્થાપશેઃ કેયન્સ સેમિકંડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 3300 કરોડના ખર્ચે સાણંદમાં રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરતો સેમિકંડક્ટર-ચિપ પ્રોજેક્ટ સ્થાપશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ગુજરાત માટે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે.
• માધુપુરા સટ્ટા ટ્રેડિંગના મુખ્ય આરોપીની દુબઈ જેલથી ધરપકડઃ માધુપુરાથી પકડાયેલા રૂ. 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને શેરબજારના ડબા ટ્રેડિંગના મુખ્ય આરોપી દીપક ઉર્ફે ડિલક્સ ઠક્કરની પોલીસે દુબઈ જેલથી ધરપકડ કરી.
• પાસપોર્ટ કચેરીના અધિકારીઓના બેન્ક ખાતાં ચેક કરાયાંઃ મુંબઈમાં પાસપોર્ટ સેવાકેન્દ્ર પર ભ્રષ્ટાચાર પર કાર્યવાહી બાદ વિજિલન્સની ટીમે 28 ઓગસ્ટે બુધવારે અમદાવાદમાં પાસપોર્ટ કચેરીના કર્મચારીઓ પર દરોડો પાડી ખાતાંની તપાસ કરી હતી.
• શ્રાવણમાં ગુજરાતીઓએ રૂ. 500 કરોડનું ફરાળી આરોગ્યુંઃ શ્રાવણ મહિનામાં ઉપવાસી ગુજરાતીઓએ માત્ર એક મહિનામાં બટાકા અને કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તા પાછળ રૂ. 500 કરોડ ખર્ચ્યા હોવાનો અંદાજ છે.
• ગુજરાતમાં 1.88 કરોડ જનધન ખાતાં, ડિપોઝિટ રૂ. 9682 કરોડઃ પ્રધાનમંત્રી જન ધન યોજનાને 10 વર્ષ પૂરા થયા છે. એક દાયકામાં દેશમાં 53 કરોડથી વધુ ખાતામાં રૂ. 2.31 લાખ કરોડથી વધુની રકમ ડિપોઝિટ થઈ છે. જ્યારે ગુજરાતમાં 1.88 કરોડ જનધન ખાતામાં રૂ. 9682 કરોડ ડિપોઝિટ થયા છે.
• વિદેશ ફરાર 100 ગુનેગારોના પાસપોર્ટ કેન્સલ કરાશેઃ કરોડો રૂપિયાની ઠગાઈ અને સટ્ટાનો ખેલ ખેલનારા હવે વિદેશમાં પણ રહી શકશે નહીં. ગુજરાત પોલીસે વિદેશ ફરાર થયેલા 100 જેટલા ગુનેગારોની યાદી એકત્રિત કરી છે. જેમના પાસપોર્ટ કેન્સલ કરાવી દેવાશે.
• ગુજરાત કોંગ્રેસના 4 નેતા રાષ્ટ્રીય માળખામાંઃ કોંગ્રેસ મોવડી મંડળે રાષ્ટ્રીય સંગઠનનું પુનર્ગઠન કર્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના ઋત્વિક મકવાણા, આનંદ ચૌધરીને એઆઇસીસીના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તો નિલેશભાઈ પટેલ અને ડો. પલક વર્માની પણ નિમણૂક કરાઈ છે.