નવી દિલ્હીઃ વ્હીસલ બ્લોઅર હિંડનબર્ગના ચકચારી રિપોર્ટ બાદ સવાલોના ઘેરામાં આવી ગયેલાં સેબી ચેરમેન માધવી પુરી પર હવે કોંગ્રેસે પણ આરોપ લગાવ્યા છે.
સોમવારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે, માધવી પુરીએ 2017થી 2024માં આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી પગાર લીધો છે. આ 7 વર્ષ દરમિયાન સેબી ચીફે બેન્ક પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી. માધવી પુરી બુચે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ અને સેબી પાસેથી પણ એકસાથે પગાર મેળવ્યો છે. સેબી એક નિયમનકાર છે. સેબી ચેરમેનની નિયુક્તિ કરનારા એસીસીમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન છે. સેબી અધ્યક્ષની નિયુક્તિ માટે આ સમિતિમાં બે સભ્ય છે અને તેઓ જ જવાબદાર છે.
આ મુદ્દે સોમવારે મોડેથી આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. બેન્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, માધવી બુચને નિવૃત્તિ બાદ કોઈ વેતન ચુકવાયું નથી.