નવી દિલ્હીઃ 2036ની ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સ માટે અંતે ભારતે તેની વિધિસરની દાવેદારી નોંધાવી છે. એ માટે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ફ્યુચર હોસ્ટ કમિશનને વિધિસરનો ‘ઇરાદા પત્ર’ (લેટર ઓફ ઇન્ટેન્ટ) મોકલીને આ ગેમ્સ યોજવાની ઇચ્છા દર્શાવી છે. આઇઓસી સાથે મહિનાઓ સુધી વિધિસરની ચર્ચા બાદ આ મહત્ત્વાકાંક્ષી યોજનાની દિશામાં આ એક નક્કર પગલું લેવાયું છે. જો ભારતની બિડ સફળ રહેશે તો આ ઓલિમ્પિક્સ અમદાવાદના આંગણે યોજાશે.
રમત-ગમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે. ભારતને આ યજમાની મળવી લગભગ નક્કી છે. જો આવું થાય તો તેનાથી ભારતને આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને દેશભરમાં યુવકોને રમત-ગમત પ્રત્યે પ્રેરણા સહિતના લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતવર્ષે 2036ના ઓલિમ્પિક્સ યોજવાની સરકારની ઇચ્છા દર્શાવી હતી. એ પછી ભારતમાં આ અંગેની તડામાર તૈયારી પણ શરૂ કરી દેવાઈ છે. જો કે આઇઓસીની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અગાઉ હોસ્ટિંગ અંગેનો નિર્ણય લઈ શકાય તેમ નથી. ભારતને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સહિતના અનેક દેશો સાથે સ્પર્ધાનો સામનો કરવો પડશે.
આ મામલે પ્રગતિનો આગામી તબક્કો ‘ટાર્ગેટેડ ડાઇલોગ’નો છે. જે માટે એડિશન આધારિત ઔપચારિક બીડ રજૂ કરવાની જરૂર પડશે. ફ્યુચર હોસ્ટ કમિશન દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા છેવટે યજમાનને ચૂંટવા સાથે પૂર્ણ થશે. જાણવાની વાત એ છે કે હાલના આઇઓસી વડા થોમસ બેકે ભારતની યોજનાને સમર્થન આપ્યું છે.
ભારત યોગા, ખોખો સામેલ કરી શકે
જો બીડ મેળવવામાં સફળતા મળી તો ભારત યોગા, ખોખો અને કબડ્ડી જેવી ઘરેલુ રમતોને સામેલ કરવા માટે પણ દબાણ કરશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલે એક સફળ બીડ માટે જરૂરી પગલાં અંગે વિસ્તૃત અહેવાલ રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાને રજૂ કર્યો હતો, જેમાં યોગા, ખોખો, કબડ્ડી, ચેસ, ટી-20 ક્રિકેટ અને સ્ક્વોશ જેવી રમતોને અલગ તારવાઈ છે.