કેનેડાના બહુસાંસ્કૃતિકવાદ આદર્શની સાચી ભાવનાનું પ્રદર્શન કરતા અમે અમારા ફ્રન્ટ પોર્ચના દ્વારે દિવાળી અને હેલોવીન, એમ બંને ઉત્સવના બેનર્સ લગાવ્યા હતા જેની સરાહના ત્યાંથી પસાર થતા તમામ લોકો અને ખાસ કરીને નજીકની સ્કૂલના શાળાએ જતાં અને પરત ફરતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમના ચહેરા પર દેખાયેલી પ્રસન્નતાનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી તેને માત્ર અનુભવી જ શકાય. સાંજના સમયે હેલોવીન કોસ્ચયુમ્સ પહેરેલાં ઘણાં બાળકો અમારા ઘરના આંગણે આવ્યા હતા અને હું જ્યારે તેમને કેન્ડીઝ વહેંચી રહ્યો હતો ત્યારે દેવદૂતોના વેશમાં રહેલા કેટલાક બાળકોએ આભાર માનવા સાથે આશીર્વાદ પણ આપ્યાં હતાં. તેઓ કેટલાં આકર્ષક, નિર્દોષ અને પવિત્ર જણાતાં હતાં.
મુખ્યત્વે હિન્દુ તહેવાર દિવાળી અનેક પ્રકારે અન્ય ધર્મોના અનુયાયીઓ દ્વારા પણ ઉજવાતો રહ્યો છે. જૈન લોકો આગવી રીતે દિવાળી ઉજવે છે જેમાં મહાવીરના નિર્વાણનો સમય છે. શીખ લોકો તેમના ગુરુ હરગોવિંદજી મોગલોની જેલમાંથી મુક્ત થયા તેના પ્રતીકરૂપે બંદી છોર દિવસ ઉજવે છે.
દિવાળી આસુરી-અશુભ તત્વો પર શુભત્વનો વિજય તેમજ આપણા મનમાં અન્યો પ્રતિ શત્રુતા, પૂર્વગ્રહોના અંધકારને દૂર કરી જાણતા કે અજાણતા પણ કશું ખરાબ કાર્ય થયું હોય તેની ક્ષમાયાચનાનો તહેવાર છે. હેલોવીનનો તહેવાર 31 ઓક્ટોબરે મનાવાય છે અને તેના મૂર્તિપૂજક અને ધાર્મિક મૂળિયાં અને ધર્મનિરપેક્ષ પરંપરાઓ માટે જાણીતો છે. મોટા ભાગના યુરોપ અને નોર્થ અમેરિકામાં હેલોવીનની ઊજવણી મુખ્યત્વે બિનધાર્મિક રહે છે તેમજ પાર્ટીઓ, ચિત્રવિચિત્ર પહેરવેશ, જેક-ઓ’-લેન્ટર્ન્સ, કોળામાં કોતરણીઓ અને કેન્ડીઝ વહેંચવા સાથે મનાવાય છે. હેલોવીનની 31 ઓક્ટોબરની રજા મૃતકોને યાદ કરવાના ત્રણ દિવસીય ક્રિશ્ચિયન સમયગાળા ઓલહોલ્લોટાઈડ (Allhallotide)ને સમર્પિત રહે છે. આના પછી, ઓલ સેઈન્ટ્સ ડે અને ઓલ સોલ્સ ડે મનાવાય છે.
સંયોગાવશાત, 31 ઓક્ટોબર ભારતના લોહપુરુષ, અભૂતપૂર્વ નેતા, સ્વાતંત્ર્યવીર અને ભારતના એકીકરણના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ પણ છે. તેઓ રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ અને જાહેર સેવાની ભાવનાના કાયમી પ્રતીક છે. તેમને આદરાંજલિ અર્પવા 31 ઓક્ટોબરને યોગ્ય રીતે જ રાષ્ટ્રીય એકતા દિવસ અથવા નેશનલ યુનિટી ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. ધ ટાઈમ મેગેઝિને તેના 27 જાન્યુઆરી, 1947ની એડિશનના કવર પેજ પર સરદાર પટેલની તસવીર મૂકી હતી તેમજ તેના ફોરેન એફેર્સ સેક્શનના ચાર પાનાનો આર્ટિકલ સામેલ કર્યો હતો. આર્ટિકલમાં સરદાર પટેલને ‘ધ બોસ’નું ઉપનામ અપાયું હતું જે અમેરિકન પોલિટિકલ બાબતોમાં તેમના નિઃસ્વાર્થપણા અને બ્રિટિશ રાજથી સ્વતંત્રતા હાંસલ કરવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતાના આદર તરીકે લેખાવી શકાય. દિવાળી, હેપ્પી હેલોવીન માટે દિવ્ય, પવિત્ર અને આધ્યાત્મિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમજ ભારતના લોહપુરુષ સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમારા હૃદયની શ્રદ્ધા સાથે નમન કરીએ છીએ. વિક્રમ સંવતના નૂતન વર્ષ 2081ના આગમન ટાણે અમે સહુને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. ઈશ્વર સહુને સલામત અને તંદુરસ્ત રાથે તેવી પ્રાર્થના કરીએ છીએ.