લંડનઃ નિસ્ડન ટેમ્પલ (BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન) તેમજ યુકેસ્થિત તમામ BAPS મંદિરો અને સેન્ટરોમાં હજારો ભક્તો અને શુભેચ્છકોને આવકાર સાથે ભક્તિભાવપૂર્વક દિવાળી અને નવા હિન્દુ વર્ષની ઊજવણી કરવામાં આવી હતી. આનંદ અને સાંસ્કૃતિક સમૃદ્ધિથી છલકાતા દિવાળી અને નવા હિન્દુ વર્ષના તહેવારો સ્થાનિક સમુદાયોના વિવિધ વય અને પશ્ચાદભૂના લોકોને સાથે લાવે છે.
ભક્તો અને શુભેચ્છકો વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા. આ ઊજવણીઓનું મુખ્ય ધ્યાન અન્નકૂટ ઉત્સવ પર કેન્દ્રિત થયું હતું જેમાં નવા વર્ષના પ્રથમ દિવસે દેવમૂર્તિઓને આદર, પ્રેમ અને આભારની લાગણી વ્યક્ત
કરવા પ્રથમ ભોજન સ્વરૂપે વિવિધ પ્રકારની મીઠાઈઓ, નાસ્તા, ફળો, અને સ્વાદિષ્ટ વાનગીઓ તેમજ અન્ય વ્યંજનોનો ભોગ ધરાવાય છે.
સમગ્ર દેશમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં વિધવિધ પ્રકારે દીપોત્સવની ઊજવણી કરાઇ હતી. જેમ કે, • નયનરમ્ય આતશબાજી કાર્યક્રમોએ રંગબેરંગી પ્રકાશ અને અવાજો સાથે આકાશને પ્રકાશિત કરી દીધું હતું. • મુલાકાતી ભક્તોએ નવા વર્ષના આરંભે આશીર્વાદ પ્રાપ્ત કરી પરંપરાગત વિધિવિધાન અને રિવાજો સાથે નૂતન વર્ષને વધાવવાની અનોખી તક પ્રાપ્ત કરી હતી. • પારિવારિક સુમેળને વધારતી તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અનુભવો પૂરા પાડતી અનેક પેઢીઓની સાંકળી લઈને પરિવારને કેન્દ્રમાં રાખતી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. • અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક સ્વરૂપે અને શાંતિ અને સમૃદ્ધિને આવકારવા વિવિધ પ્રકારની રંગોળીઓ અને સેંકડો પરંપરાગત દીવડાની હારમાળા સાથે વિશિષ્ટ શણગાર-સજાવટ અને પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. • સ્થાનિક સખાવતી સંસ્થાઓ અને ફૂડ બેન્ક્સમાં દાન કે ફાળો અપાયો હતો.
માન્ચેસ્ટરમાં BAPS મંદિરની ઊજવણીમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનેર, ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ સહિતના મહાનુભાવો સામેલ થયા હતા. ચિગવેલ-લંડનના BAPS મંદિરની ઊજવણીમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર વેસ સ્ટ્રીટિંગ ઉપસ્થિત રહ્યા હતા. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી નિસ્ડન ટેમ્પલની ઊજવણીઓમાં સામેલ થયા હતા.
સમગ્ર દેશમાં ઊજવણીઓમાં મહાનુભાવોની હાજરી સંવાદિતાની ઊજવણી તેમજ બ્રિટનના સમૃદ્ધ બહુસાંસ્કૃતિકવાદના પ્રતિબિંબ તરીકે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના મહત્ત્વને સ્થાપિત કરે છે. માન્ચેસ્ટરમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનેરે જણાવ્યું હતું કે, ‘આજે મારા મતક્ષેત્ર માન્ચેસ્ટરમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હાજર રહેવું અદ્ભૂત છે.’ તેમણે સહુને હેપ્પી દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે,‘દિવાળીનો સંદેશ પ્રકાશ અને આશાનો છે. આપણે છેલ્લાં કેટલાક વર્ષોમાં મહામારી અને આંતરરાષ્ટ્રીય અશાંતિના મુશ્કેલ સમયમાંથી પસાર થયા છીએ ત્યારે આ સંદેશો આપવો અદ્ભૂત છે. આપણી કોમ્યુનિટીમાંથી આશાનો સંદેશો પ્રસરતો રહે તે નિહાળવાનું સરસ છે.’
નિસ્ડન ટેમ્પલની ઊજવણીઓમાં સામેલ ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે, ‘અહીં (નિસ્ડન ટેમ્પલમાં) તમે જીવન, આસ્થા-ધર્મનું ચક્ર નિહાળો છો અને એકસોથી વધુ સુંદર વાનગીઓના અન્નકૂટ મારફત તમે સેવાનું ચક્ર નિહાળો છો. આ ભક્તિનું વ્યાપક અને પ્રચંડ પ્રદર્શન છે.’
આ વર્ષે નિસ્ડન ટેમ્પલ દ્વારા સંખ્યાબંધ કોમ્યુનિટી ઈવેન્ટ્સ થકી દિવાળી ઊજવણીઓમાં યોગદાન આપ્યું હતું. ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં BAPS સ્વયંસેવકોએ હોસ્પિટલના સમર્પિત સ્ટાફ, બાળકો અને પરિવારોમાં આનંદ અને ઘનિષ્ઠતાની હૃદયંગમ ભાવના પ્રસરાવવા ચિન્મય મિશન અને નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમને મદદ કરી હતી.
અન્ય ઈવેન્ટ્સમાં ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ‘દિવાળી ઈન લંડન’, ફોરેન ઓફિસ ખાતે મિનિસ્ટર ફોર ઈન્ડો-પાસિફિક અને સાંસદ કેથેરાઈન વેસ્ટ સાથે કાર્યક્રમ તેમજ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર સાથે કાર્યક્રમનો સમાવેશ થયો હતો.
સમગ્ર યુકેમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં દિવાળી અને નૂતન વર્ષની કરાયેલી ઊજવણીઓ તમામ પશ્ચાદભૂ સાથેના લોકોને ભવિષ્યના આનંદ અને આશાસહ એક સાથે લાવવામાં સાંસ્કૃતિક ઊજવણીઓની એકત્વની શક્તિના પુરાવા સમાન છે.