લંડનઃ હિન્દુ સમુદાય માટે શનિવાર 19 ઓક્ટોબરનો દિવસ આધ્યાત્મિક સીમાચિહ્ન બની રહ્યો હતો જ્યારે સાઉથ લંડનમાં પ્રથમ વખત પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરાયું હતું. ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર જગદ્ગુરુ સ્વામીશ્રી કૃપાલુ મહારાજના જાણીતા શિષ્યા અને સનાતન વેદિક શાસ્ત્રોના પ્રતિષ્ઠિત વિદ્વાન પૂજનીયા રામેશ્વરી દેવીજી વિરાજમાન થયાં હતાં.
તેમની દિવ્ય ઉપસ્થિતિમાં ભાવિક ભક્તોએ પવિત્ર શ્રીમદ ભાગવતમ્ પોથીની શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને ભક્તિ અને આનંદના સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો. ઉત્સવ અને પવિત્રતાના માહોલમાં જાનકી મહેતાના કથક નૃત્ય પરફોર્મન્સે સહુને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. સુંદર સાડીઓમાં સજ્જ મહિલાઓએ મસ્તક પર પવિત્ર કળશ રાખ્યા હતાં જ્યારે પુરુષોના મસ્તકો પર શ્રીમદ ભાગવત પુસ્તકો શોભી રહ્યાં હતાં. સ્ત્રીપુરુષો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણના નામો ઉચ્ચારી રહ્યા હતા તેમજ સાત દિવસના અવરણનીય આધ્યાત્મિક આનંદને આવકારવા પ્રેમપૂર્વક નૃત્યોમાં સામેલ થયા હતા.
પૂજનીયા રામેશ્વરી દેવીજીએ તેમના જ્ઞાન સાથે ભક્તોને ઉપદેશ કર્યો હતો. ભાગવતમ્, વેદ અને ઉપનિષદોના જ્ઞાતા હોવાં સાથે તેઓ સંસ્કૃત, ઈંગ્લિશ અને હિન્દી ભાષાઓ પર કાબુ ધરાવે છે જેનાથી સપ્તાહનો ઈવેન્ટ વધુ સુંદર બની રહ્યો હતો. રામેશ્વરી દેવીજીએ 20 ઓક્ટોબરે ભાગવતના દિવ્ય શ્લોકોના ઉચ્ચાર સાથે સપ્તાહનો પ્રારંભ કર્યો હતો. ભારતથી ગાયિકા લલિતાજી અને યુકેના દેબજાનીજી તથા સંગીતકારો કમલબીર અને અમરદીપે તેમને સાથ આપ્યો હતો.
લગભગ 5000 વર્ષ અગાઉ નૈમિષારણ્યમાં 80,000 સંતો અને વિદ્વાનોના ઐતિહાસિક સમાગમ દરમિયાન સંત સૂત ગોસ્વામીએ સૌપ્રથમ વખત આ પુરાણનું વર્ણન કર્યું હતું. ધ વેલિંગ્ટન ગર્લ્સ સ્કૂલ આધુનિક કાળની પવિત્ર નૈમિષારણ્ય ભૂમિમાં ફેરવાઈ હતી જ્યાં ભક્તોએ જ્ઞાનોપદેશનો લાભ લીધો હતો. દેવીજીએ પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણમાં અવિરત આસ્થાના મહત્ત્વ પર ભાર મૂકતાં જીવનની મુશ્કેલીઓમાં ભગવાન કૃષ્ણના રક્ષણમાં વિશ્વાસ રાખવા ભક્તોને અનુરોધ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન તેઓએ દિવ્ય ઉપદેશમાં ઊંડા ઉતરવા ઉત્સુક 300થી વધુ વર્કિંગ પ્રોફેશનલ્સ સમક્ષ ભગવાન વિષ્ણુના દશાવતારની કથાઓ સંભળાવી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહની સૌથી યાદગાર ક્ષણોમાં બાળકોની ચરિત્ર ભૂમિકા રહી હતી જ્યાં તેમણે વિવિધ દિવ્ય અવતારોના રૂપ ધારણ કર્યાં હતાં. ભક્તોએ ગીતો અને નૃત્યો કર્યા હતા.