દિવાળીના આગલા દિવસે રેચલ રીવ્ઝે લેબર સરકારનું સૌપ્રથમ ઓટમ બજેટ રજૂ કર્યું. બજેટમાં કરવેરામાં કમરતોડ વધારો કરતાં તેમણે જાહેર સેવાઓ માટે વધુ ફાળવણી, વધુ ઉધારી અને વધુ મૂડીરોકાણને પ્રોત્સાહન આપીને આર્થિક મોરચા પર બેવડો જુગાર રમવાનો પ્રયાસ કર્યો છે. પહેલો જુગાર તેમણે જાહેર સેવાઓ માટેની ફાળવણીમાં વધારો કરવામાં રમ્યો છે પરંતુ આ વધારાની ફાળવણી પણ એનએચએસ સહિતની જાહેર સેવાઓમાં ઇચ્છિત પરિણામો આપી શકશે કે કેમ તે મોટો સવાલ છે. જો આ જુગાર સફળ નહીં થાય તો ચાન્સેલરને નાણા ઊભા કરવા માટે કરવેરાનો બોજો આગામી વર્ષોમાં વધારવાની ફરજ પડશે. ચાન્સેલરે બીજો જુગાર સરકારી તિજોરીની ઉધારી વધારવાનો નિર્ણય લઇને રમ્યો છે. આમાં દેવુ કરીને ઘી પીવાની નીતિ હોય તેવું લાગી રહ્યું છે. સરકારી તિજોરી પર બોજો વધવાના કારણે ફુગાવાના દરમાં વધારો થઇ શકે છે જેના પગલે વ્યાજદરો ઊંચા જવાની સંભાવના પણ વર્તાઇ રહી છે. હાલ ચાન્સેલર ભલે ફુગાવાનો દર 2 થી 2.6 ટકા વચ્ચે રહેવાના અંદાજ આપી રહ્યા હોય પરંતુ ફુગાવો એક એવો દાનવ છે જેને ભલભલા અર્થશાસ્ત્રીઓ કાબૂ કરવામાં નિષ્ફળ જતા હોય છે. સરકાર નાણાનો ખર્ચ કેવી રીતે કરે છે તેના પર આ જુગારની સફળતાનો આધાર રહેલો છે. ચાન્સેલર આર્થિક સમસ્યાઓ અગાઉની ટોરી સરકાર પાસેથી વારસામાં મળી હોવાના આરોપ મૂકી રહ્યાં છે પરંતુ તેમણે રમેલા જુગારની સફળતાની જવાબદારી તો તેમને જ લેવી પડશે. આર્થિક નિષ્ણાતો જાહેર સેવાઓ માટે વધુ ફાળવણી, જાહેર મૂડીરોકાણમાં વધારા અને લઘુત્તમ વેતનમાં વધારા જેવા પગલાંને આવકારી રહ્યાં છે. તેના કારણે 3 મિલિયન કર્મચારીઓના જીવનધોરણ ઊંચા આવી શકે છે પરંતુ તેની સાથે નોકરીદાતાઓ, બિઝનેસોની મુશ્કેલીઓમાં વધારો થશે જે અર્થતંત્ર પર નકારાત્મક અસરો પાડી શકે છે. નિષ્ણાતોને એ વાતમાં કોઇ શંકા નથી કે રેચલ રીવ્ઝના બજેટમાં સાહસિક નિર્ણયો લેવામાં આવ્યાં છે પરંતુ બજેટ આવ્યા બાદ વાસ્તવિક આવકની સ્થિતિ વધુ બદતર બની છે. સરકાર ફક્ત દેવુ કરીને જાહેર સેવાઓની ફાળવણી વધારીને, કરવેરામાં વધારો કરીને કે મૂડીરોકાણને વેગ આપીને અર્થતંત્રની ગાડીની ઝડપ વધારી શકશે તે માની લેવું ભૂલભરેલું છે. સરકારે સ્કીલ ડેવલપમેન્ટ, પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સહિતના મુદ્ઓ પર વધુ સાહસિક નિર્ણયો લેવા પડશે. જોકે એમ્પ્લોયર્સ નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલા વધારાના કારણે બિઝનેસ અને ઉદ્યોગજગતને મોટો ફટકો પડશે. એવું પણ બને કે બિઝનેસો પગાર ધોરણ નીચા લાવીને કરવેરામાં રાહત મેળવવાનો પ્રયાસ કરે અને તેનાથી લોકોની આવક ઘટતાં બોજો તો તેમના પર જ આવશે. નેશનલ મિનિમમ વેજમાં વધારો કરાતાં બિઝનેસ અને ઉદ્યોગજગતના પગાર બિલમાં નિશ્ચિતપણે વધારો થવાનો છે. જે તેમની એન્યુઅલ બેલેન્સ શિટ પર વિપરિત અસરો કરી શકે છે. આમ રેચલ રીવ્ઝના બજેટ પર હાલ તો મિશ્ર પ્રત્યાઘાતો મળી રહ્યાં છે. જોગવાઇઓ અમલમાં આવ્યા બાદ તેના કેવા પરિણામ આવે છે તે જોવું રહ્યું.