સેનાને આધુનિક બનાવીશુંઃ કચ્છ બોર્ડર પર જવાનો સાથે દિવાળી ઉજવતા મોદી

Thursday 07th November 2024 03:40 EST
 
 

ભુજઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળીની ઉજવણી કચ્છ બોર્ડર પર બીએસએફના જવાનો સાથે ઊજવી. દિવાળી નિમિત્તે બોર્ડર પર પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ જવાનોને મીઠાઈ વહેંચી શુભેચ્છા આપી હતી અને દેશની રક્ષા કરતા જવાનોની દેશભક્તિનાં વખાણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
જવાનો સાથે ઉજવણી
નોંધનીય છે કે, કચ્છના લક્કી નાળા ખાતે જવાનો સંગ પ્રધાનમંત્રી મોદીએ દિવાળીની ઉજવણી કરી હતી. મહત્ત્વની વાત એ છે કે, વડાપ્રધાન મોદી દર વખતે દેશના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરતા હોય છે. ગતવર્ષે તેઓએ હિમાચલ પ્રદેશ ખાતે જવાનો સાથે ઉજવણી કરી હતી, જ્યારે આ વખતે તેમણે ગુજરાતમાં કચ્છના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે.
પ્રધાનમંત્રીએ જવાનોને શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ જવાનોને સંબોધન કરતાં કહ્યું કે, મને માતૃભૂમિની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણી સેનાને વિશ્વની સૌથી આધુનિક સેના બનાવીશું. ભારતમાં પોતાની સબમરિન બનાવવામાં આવી રહી છે. પહેલાં ભારતની ઓળખ હથિયાર ઇમ્પોર્ટ કરનારા દેશ તરીકેની હતી, જ્યારે હાલમાં આપણે હથિયારોની નિકાસ કરતા થયા છીએ. દેશના જવાનો પર મને ગર્વ છે. સરક્રિક પર દુશ્મનની નાપાક નજર છે, જેને જડબાતોડ જવાબ આપવા આપણી સેના આધુનિક સંસાધનો સાતે સજ્જ થઈ રહી છે. નેવીને કારણે આપણા દેશ પર દુશ્મન આંખ ઊંચી કરવાની હિંમત કરી શકતો નથી. આપણું તેજસ વાયુસેનાની તાકાત બન્યું છે.
એક ઇંચ જમીન સાથે પણ બાંધછોડ નહીં
પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોને કહ્યું કે, તમારી અદમ્ય ઇચ્છાશક્તિ, તમારી અમાપ બહાદુરી અને તેની ઊંચાઈ કાબિલેદાદ છે. જ્યારે દેશ તમને જુએ છે ત્યારે તે સુરક્ષા અને શાંતિની ગેરંટી પણ જુએ છે. જ્યારે દુનિયા તમને જુએ છે ત્યારે કે ભારતની તાકાતનાં દર્શન કરે છે અને જ્યારે દુશ્મન તમારી તરફ જુએ છે ત્યારે તે તેની ખરાબ યોજનાઓનો અંત જુએ છે. જ્યારે તમે જુસ્સાથી ગર્જના કરો છો ત્યારે આતંકના માસ્ટર્સ ધ્રુજી જાય છે. યાદ રાખજો આ દેશમાં એક એવી સરકાર છે, જે દેશની એક ઇંચ જમીન સાથે પણ બાંધછોડ કરતી નથી.


comments powered by Disqus