દિવાળીના પવિત્ર પર્વ દરમિયાન કેનેડાના બ્રોમ્પટનમાં આવેલા હિન્દુ મંદિર ખાતે એકઠા થયેલાં આસ્થાળુઓ પર હુમલો કરીને ખાલિસ્તાન સમર્થકોએ ન કેવળ ભારત અને કેનેડા વચ્ચેના ભંગાણના આરે પહોંચેલા દ્વિપક્ષીય સંબંધોને વધુ નુકસાન પહોંચાડ્યું છે પરંતુ કેનેડામાં વસતા હિન્દુ અને શિખ સમુદાયો વચ્ચે ઝેર ઘોળવાનું જધન્ય કૃત્ય પણ કર્યું છે. દાયકાઓથી કેનેડામાં માઇગ્રન્ટ્ તરીકે પહોંચીને સમૃદ્ધ બનેલા શીખ સમુદાયમાં સામેલ મુઠ્ઠીભર ખાલિસ્તાન સમર્થકો પહેલેથી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનો હાથો બનીને ભારતમાં ભંગાણ સર્જવાના પ્રયાસો કરતાં રહ્યાં છે. 1990ના દાયકામાં ભારતના પંજાબમાં ખાલિસ્તાન સમર્થકોનો આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે પણ કેનેડામાં વસતા ખાલિસ્તાન સમર્થકો આતંકવાદને ભડકાવવામાં કોઇ કસર બાકી રાખતા નહોતા. કેનેડાથી ભારત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કરાયેલો બોમ્બ વિસ્ફોટ આજે પણ સ્મરણપટ પર છે. ઓપરેશન બ્લૂ સ્ટાર અને ત્યારબાદ નવી દિલ્હી દ્વારા ખાલિસ્તાની આતંકવાદ સામે અપનાવાયેલા કઠોર વલણના કારણે ભારતના પંજાબમાં તો વિભાજનકારીઓનો સફાયો થઇ ગયો હતો પરંતુ કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નાસી છૂટેલા અને ખાલિસ્તાન પ્રત્યે કૂણું વલણ ધરાવતા શીખ સમુદાયના લોકો દ્વારા છાશવારે ખાલિસ્તાનના નારા બુલંદ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ખાલિસ્તાન સમર્થકો જનમત સંગ્રહ સુધી સીમિત રહેતાં હતાં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે આ દેશોમાં વસતા હિન્દુ સમુદાયને ટાર્ગેટ બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો અને ભારતીય દૂતાવાસોને લક્ષ્યાંક બનાવવાની છૂટી છવાઇ ઘટનાઓ સામે આવતી હતી પરંતુ કેનેડામાં છાશવારે ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિન્દુ મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. કેનેડામાં શીખ સમુદાયના બિનનિવાસી ભારતીયો મોટી સંખ્યામાં છે અને આજે ત્યાંની રાજનીતિમાં મહત્વની વોટ બેન્ક પણ બની ચૂક્યાં છે. ખાલિસ્તાન સમર્થક સાંસદોના ટેકાના કારણે સરકાર ટકાવી રહેલા જસ્ટિન ટ્રુડોએ પણ કૂણું વલણ અપનાવતા હવે તેમને છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ હિન્દુ મંદિરો પર નારા ચીતરીને પોતાનો રંગ બતાવી રહેલા ખાલિસ્તાન સમર્થકોએ બ્રોમ્પટનના મંદિર ખાતે હિન્દુ સમુદાયના આસ્થાળુઓ પર હુમલો કરીને કેનેડામાં વસતા હિન્દુ અને શિખ સમુદાયો વચ્ચે વેરના વાવેતર કરવાનો પ્રયાસ કર્યો છે. કેનેડામાં વસતા બધા જ શીખ ખાલિસ્તાનના સમર્થક નથી. પરંતુ ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં હિન્દુ અને શીખ સમુદાય વચ્ચે વેરઝેર ફેલાવીને તેની અસર ભારત સુધી પહોંચાડવાનો અપરાધિક મનસૂબો અમલમાં મૂકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કેનેડાના સત્તાધારી રાજનેતાઓ પણ ખાલિસ્તાની મનસૂબાની આગમાં ઘી હોમીને સ્થિતિને વધુ વકરાવી રહ્યાં છે. તાજેતરમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતના રાજદ્વારીઓ અને ભારત સરકાર પર મઢી દેતાં બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો તળિયે બેસી ગયાં છે. કેનેડામાં વસતા ખાલિસ્તાન સમર્થકોએ હિન્દુ મંદિરો અને આસ્થાળુઓ પર હુમલા કરીને હિન્દુ અને શીખ સમુદાયો વચ્ચે ભાગલા પડાવી નફરતનું ઝેર છેક ભારત સુધી પહોંચાડવાનો કારસો ઘડ્યો હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. આ કારસામાં પાકિસ્તાનની પરદા પાછળની ભુમિકા હોવાની પણ પ્રબળ સંભાવના છે.