બેઇજિંગઃ વિશ્વભરમાં કોરોના ફેલાવ્યા બાદ ચીનમાં હવે એક નવો જીવલેણ વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, જેનાં લક્ષણો પણ કોરોના વાઇરસ જેવાં જ છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જે એક RNA વાઇરસ છે અને ચીનનાં બાળકોમાં તેનું સંક્રમણ સૌથી વધારે ફેલાઈ રહ્યું છે. આ ઉપાધિના પગલે ચીનમાં હોસ્પિટલો ઊભરાઈ રહી છે.
2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અને અશક્ત વૃદ્ધોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવતા મેટાપ્યુમોવાઇરસ વાઇરસથી દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવાં જ લક્ષણો ધરાવે છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેનાં લક્ષણોમાં ઊધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. આ સાથે ચીનમાં HMPV ઉપરાંત ઇન્ફલ્યુએન્ઝા, માઇકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
કોરોના મહામારી બાદ પાંચ વર્ષ બાદ ફરી ચીનમાં જીવલેણ હ્યુમન મેટાન્યુમોવાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને પગલે ફરી એક વખત દુનિયામાં ભારે ગભરાટ ફેલાયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ કોઈ નવી મહામારી હોવાની પુષ્ટિ નથી કરી, કે કોઈ ઇમર્જન્સી એલર્ટ પણ જાહેર નથી કર્યું. જો કે સૂત્રો મુજબ ઉત્તરીય ચીનમાં વિશેષરૂપે 14 વર્ષથી નાનાં બાળકો આ વાઇરસનો ભોગ બની રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. આ વાઇરસની પણ હજુ સુધી કોઈ રસી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે નેધલેન્ડ્સ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં એચએમવીપીના કેસ જોવા મળ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે વાયરલ પોસ્ટ્સ છતાં કોરોના જેવી સ્થિતિ માત્ર અટકળો સુધી મર્યાદિત છે.