ઇસ્લામાબાદઃ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) પાકિસ્તાનમાં ઘૂસીને ગુપ્ત હત્યાઓ કરી રહી હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ રોએ પાકિસ્તાનમાં વર્ષ 2021થી અત્યાર સુધીમાં અંદાજે 11 લોકોની હત્યા કરાવી છે, જે દેખીતી રીતે ભારતના દુશ્મનો હતા. રૉના આ અભિયાનનો આશય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરાયેલા સંગઠનો લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકીઓને નિશાન બનાવવાનું હતું.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ રોએ આ આતંકીઓની હત્યા કરાવવા માટે ભારતીય નાગરિકોનો ઉપયોગ નથી કર્યો, પરંતુ સ્થાનિક ગુનેગારો અને અફઘાની ભાડાના હત્યારાઓને કામે લગાવ્યા હતા. આ ગૂનેગારો અને ભાડાના હત્યારાઓને દુબઈ સ્થિત વેપારીઓ અને હવાલા નેટવર્ક મારફત નાણાં ચૂકવાય છે. અખબારે તેના રિપોર્ટમાં છ લોકોની હત્યાનો ઉલ્લેખ કર્યો છે.
પાકિસ્તાનમાં જે લોકોની હત્યા કરાઈ છે તે મોટાભાગે આતંકી સંગઠનો તોયબા અને જૈશના સભ્યો હતા અને ભારત આ બંને આતંકી સંગઠનને ભારત માટે મોટું જોખમ માને છે. ભારતે તેના 58 દુશ્મનોની યાદી બનાવી છે, જેમાંથી 11 લોકોની છેલ્લા ત્રણ વર્ષમાં હત્યા કરાઈ હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે.