તિબેટમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ 126નાં મોત

Wednesday 08th January 2025 06:26 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ તિબેટમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ ભૂકંપથી ટિંગરી ગામમાં મંગળવાર રાત સુધી સૌથી વધારે ખુવારી સામે આવી છે. માઉન્ટ એવરેસ્ટ પાસેના ટિંગરી ગામમાં ભૂકંપ આવ્યાના 3 કલાક સુધીમાં 50 આફ્ટરશોક આવ્યા, જેમાં 7 હજારની વસ્તી ધરાવતા ગામમાં 126 લોકોનાં મોતની સાથે 1000 ઘર જમીનદોસ્ત થઈ ગયાં. 7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ આવેલા આફ્ટર શોક પણ 4.4ની તીવ્રતાના નોંધવામાં આવ્યા હતા. આ ભૂકંપના આંચકા નેપાળ, ચીન અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
આ ભૂકંપનું એપિ સેન્ટર હજારો ફૂટ ઊંચાઈ પર આવેલું એવરેસ્ટથી 80 કિ.મી.ના અંતરે આવેલું ટિંગરી ગામ જ હતું, જેને એવરેસ્ટનો ઉત્તરી દ્વાર માનવામાં આવે છે. ભૂકંપના કારણે એવરેસ્ટ જતા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આફ્ટરશોકના કારણે અહીં હિમસ્ખલનનું સંકટ રહેલું છે.
ચીની મીડિયા મુજબ તિબેટના ટિંગરીમાં આવેલો ભૂકંપ લ્હાસા બ્લોક નામથી જાણીતા ક્ષેત્રમાં તિરાડથી આવ્યો છે. જે ઉત્તર-દક્ષિણના દબાણ અને પશ્ચિમ-પૂર્વના દબાણના કારણે આવે છે. ઉલ્લેખનીય છે કે આ જ લ્હાસામાં ચીન દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન માટે સૌથી મોટો ડેમ બનાવવામાં આવી રહ્યો છે. આ ડેમ મેનલિંગ તિબેટના યારલુંગ જાંગ્બો - એટલે કે બ્રહ્મપુત્ર નદીના નીચેના હિસ્સામાં આવેલો છે, જ્યાં ચીનના હાઇડ્રોપાવર ડેમ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. અહીં આવનારા સમયમાં ફ્લેશ ફ્લડ્સ અને તેનાથી થનારી તબાહીની આશંકા સેવવામાં આવી રહી છે.


comments powered by Disqus