આણંદઃ સહકારી ક્ષેત્રના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામે દેશમાં સૌપ્રથમ આણંદ શહેરમાં સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે. જે માટે કેન્દ્રીય ટીમોએ જગ્યાની પસંદગી માટે ઇરમા સહિતનાં સંકુલોની મુલાકાત લીધી હતી, જેનો રિપોર્ટ તૈયાર થતાં જગ્યા નક્કી થશે. આ યુનિમાં સ્નાતકકક્ષાના 10 કોર્સ અને અનુસ્નાતકના 5 જેટલા કોર્સ ડિઝાઇન કરાયા છે, જ્યારે ડિપ્લોમાના 5 જેટલા કોર્સ રખાશે. દેશનાં તમામ રાજ્યોમાં યુનિવર્સિટીની શાખા સ્થપાશે. જો કે તમામનું વડુંમથક આણંદ રહેશે. આમ અમૂલ બાદ સહકારી યુનિવર્સિટીનું પણ આણંદથી સંચાલન થશે.
સહકારી પ્રવૃત્તિ નબળા વર્ગના લોકોના લાભાર્થે અસ્તિત્વમાં આવેલી પ્રવૃત્તિ છે. એ રીતે જોઈએ તો દેશમાં નબળા વર્ગો સુધી આ પ્રવૃત્તિના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રયાસના ભાગરૂપે સહકારી ક્ષેત્રે નિષ્ણાત યુવાધન જરૂરી છે.
જેમાં બેન્કિંગ, ડેરી, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સહકારી ગૃહઉદ્યોગો સહિતના કોર્સ ભણાવાશે. સહકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા
માગતા વિદ્યાર્થીઓ ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી શકશે.