ગાંધીનગરઃ ઇફકો સહકારી સંસ્થાના યુરિયા સંકુલની સુવર્ણજયંતી નિમિત્તે ઇફ્કો-કલોલ ખાતે નવા બીજ સંશોધન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 3 રાજ્યોમાં 5 સ્થળે કાર્યરત્ ઇફ્કોનું ટર્નઓવર 50 વર્ષમાં રૂ. 40 હજાર કરોડે પહોંચ્યું છે, જે 50 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. ઇફ્કોએ ઘન યુરિયા અને ઘન ડીપીએના ઉત્પાદનથી ખેતીક્ષેત્રે મોટી ક્રાંતિ કરી, હવે તેણે નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવ્યા છે.
આવતા સમયમાં ઇફ્કોનું આ નવું બીજ સંશોધન કેન્દ્ર ફળદ્રુપ બીજ શોધી કાઢશે, જે ખેડૂતોની સમૃદ્ધિનું મોટું કારણ બનશે એવો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 1967માં માત્ર 57 ખેડૂત સહકારી મંડળીઓ સાથે શરૂ કરાયેલી ઇફ્કો સંસ્થામાં આજે 36 હજારથી વધુ સહકારી મંડળીઓ જોડાયેલી છે. સહકાર ક્ષેત્રે રાજ્યમાં 1.71 કરોડ સભાસદો ધરાવતી 89 હજારથી વધુ મંડળીઓ કાર્યરત્ હોવાનું ઉલ્લેખી તેમણે પણ ઇફ્કોની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ઇફ્કોના નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચ્યાં છે.