બેઈજિંગઃ અમેરિકાએ ચીન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને તેનો બીજી તારીખથી અમલ થવા જઈ રહ્યો છે. આ સંજોગોમાં ચીને ટેરિફનો માર ખમવા ભારત સમક્ષ વધુ એક કદમ વધાર્યુ છે. ચીને જણાવ્યું છે કે, તે ભારતમાંથી સૌથી વધુ પ્રોડક્ટ્સ આયાત કરશે. બેઇજિંગના નવી દિલ્હી ખાતેના રાજદૂતે જણાવ્યું કે, ચીન વધુને વધુ ભારતીય ઉત્પાદનોની આયાત કરવા અને વ્યાપાર સહયોગ વધારવા તૈયાર છે. આ જાહેરાત બુધવારે લાગુ થનારા અમેરિકાના ટેરિફ પહેલાં કરવામાં આવી છે. બંને એશિયન દેશ 2020ના બોર્ડર સંઘર્ષ પછી પોતાના સંબંધો ફરીથી પૂર્વવત્ કરવામાં લાગેલા છે.
જિનપિંગે ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની 75મી વર્ષગાંઠે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંબોધતાં કહ્યું કે, બંને દેશોએ એકસાથે મળીને કામ કરવું જોઈએ. જો કે આઝાદી પછીથી જ ભારત અને ચીનના સંબંધોમાં વિશ્વાસની ખામી છે. 1962ના યુદ્ધ અને ત્યાર પછીથી સતત થતી રહેલી સીમા પરની અથડામણોએ બંને દેશોના સંબંધોને ખૂબ અસર કરી છે.