નવી દિલ્હીઃ સાકેત સેશન્સ કોર્ટે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના દ્વારા દાખલ ગુનાઇત માનહાનિના મામલામાં 69 વર્ષીય સામાજિક કાર્યકર મેધા પાટકરને દોષિત ઠેરવ્યાં છે અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને કાયમ રાખ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના દ્વારા પાટકર વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે પાટકરને 5 મહિનાની જેલ અને વળતરપેટે વી.કે. સક્સેનાને રૂ. 10 લાખની ચુકવણી કરવા આદેશ આપ્યો હતો. પાટકરે ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. કોર્ટે મેધા પાટકરને સજાની સુનાવણી માટે 8 એપ્રિલે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, પ્રતિવાદી દ્વારા ઉપલબ્ધ બનાવાયેલા પુરાવામાં સ્પષ્ટ થાય છે કે, મેધા પાટકર દ્વારા 24 નવેમ્બર, 2000ના રોજ પ્રકાશિત કરાયેલી પ્રેસનોટ તેમના ચરિત્રને નુકસાન કરવા માટે પ્રકાશિત કરાઈ હતી. જેને પગલે સક્સેના દ્વારા જાન્યુઆરી 2001માં તેમની વિરુદ્ધ સાકેત કોર્ટે 23 વર્ષે પાટકરને દોષિત ઠેરવ્યાં હતાં.