નવી દિલ્હીઃ દુબઈના કાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્કુમ મંગળવારથી ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા. આ દરમિયાન મંગળવારે ક્રાઉન પ્રિન્સ, યુએઈના ડેપ્યુટી પીએમ અને રક્ષામંત્રી શેખ હમદાન બિન મોહંમદ બિન રાશિદ અલ મક્તુમે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી.
પ્રિન્સની યાત્રા સહયોગની કેડી કંડારનારીઃ PM
આ અંગે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘દુબઈના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ હમદાન બિન મોહંમદ બિન રાશિદ અલ મક્તુમને મળીને ઘણો આનંદ થયો, દુબઈએ ભારત-યુએઈની વ્યાપક રણનીતિક હિસ્સેદારીને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વિશેષ યાત્રા અમારી ગાઢ મિત્રતાની પુષ્ટિ કરે છે અને ભવિષ્યમાં વધારે મજબૂત સહયોગની કેડી કંડારી રહી છે.’
પ્રધાનમંત્રીને મળી આનંદ થયોઃ પ્રિન્સ
સામેપક્ષે ક્રાઉન પ્રિન્સે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી વાતચીત યુએઈ-ભારત સંબંધોની મજબૂતી સાક્ષી છે, જે વિશ્વાસ પર આધારિત છે. આ ઉપરાંત તકો, ઇનોવેશન અને સ્થાયી સમૃદ્ધિથી ભરપુર ભવિષ્ય બનાવવાના દૃષ્ટિકોણથી પ્રેરિત છે.’
વિદેશમંત્રી અને રક્ષામંત્રી સાથે પણ મુલાકાત
દુબઈના ક્રાઉન પ્રિન્સ તરીકે શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમની ભારતની આ પહેલી સત્તાવાર મુલાકાત છે. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ પણ આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રતિષ્ઠિત મહેમાનના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને ક્રાઉન પ્રિન્સે વિદેશમંત્રી એસ. જયશંકર અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.
દિલ્હી બાદ ક્રાઉન પ્રિન્સ મુંબઈની મુલાકાત લેશે અને બંને પક્ષોના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે એક વેપારી ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. આ સંવાદ ભારત-યુએઈ આર્થિક અને વેપારી સહયોગને મજબૂત બનાવશે.