બેંગકોકઃ બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. તેમણે યુનુસ સમક્ષ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં વડાંપ્રધાન શેખ હસીનાનું પદ છીનવાઈ ગયા પછી અને વચગાળાની સરકારની રચના બાદ બંને નેતા વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.
પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓનો ઉકેલ આવતો રહેશે. શિખર સંમેલન પછી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, 'વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને હિન્દુઓ પરના અત્યાચારની પણ સંપૂર્ણ તપાસ કરાશે. મિસરીના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ યુનુસને માહોલને બગાડે તેવા કોઈપણ જાતના નિવેદનોથી દૂર રહેવા વિનંતી પણ કરી હતી.
બિમ્સટેક સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ બંને દેશો અને લોકો વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર સંમત થયા.