ગુજરાત સમાચાર માત્ર દેશવિદેશના સમાચાર, તંત્રીલેખો અને જીવન જીવવા માટે માર્ગદર્શક લેખોથી સજ્જ અખબાર જ નથી, તે વિવિધ સમાજો અને સંબંધોની સંવેદના સાથે પણ જોડાયેલું છે અને તેને સ્પર્ષે પણ છે. આ જ નેમ હેઠળ વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સમાચારનાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે માતૃવંદના અંગે કહ્યું કે, જો શિવથી માતૃશક્તિના પ્રતીક ‘ઇ’ કારને હટાવી દેવાય તો માત્ર નિર્જીવ દેહમાત્ર ‘શવ’ જ રહે છે, શિવ શબ્દમાં રહેલો ‘ઇ’ કાર માતૃશક્તિ-ચૈતન્યનું પ્રતીક છે. માતૃશક્તિની ચેતનાનું અસ્તિત્વ ન હોય તો સ્થૂળ જડતા જ બાકી રહે છે. રામ, કૃષ્ણ, ઇશુ કે જેને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે, તેના માટે પણ તેમની માતા સુમિત્રા, જશોદાજી, દેવકી, મેરી ભગવાન જ હતી. તેમને 9 મહિના ગર્ભમાં સિંચવાનું, સ્તનપાન કરાવવાનું, ઉછેરવાનું, સંસ્કાર રેડવાનું ભગિરથ કાર્ય માતાઓએ જ કર્યું છે. સાચી વાત છે કે, પરમેશ્વર પણ સ્વર્ગે સિધાવેલી માતાને પરત લાવવા સક્ષમ નથી, પરંતુ માતાતો પરમેશ્વરને પણ ધરતી પર લાવવા સક્ષમ છે.
પૂજાબહેન રાવલની સુંદર શરૂઆત બાદ કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમની ધુરા સંભાળી. કોકિલાબહેને ‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ કવિતા લલકારતાં કહ્યું કે, આજે માતૃદિને આપણે ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આવા સમયે નિવૃત્ત માતાઓની સેવા કરનારા હેરોના ઓમ શક્તિ ડે સેન્ટરનું કાર્ય પણ બિરદાવવું યોગ્ય છે. આજે આપણે નિવૃત્ત માતાઓની સેવા કરનારા ઓમ શક્તિ ડે સેન્ટરનાં સંચાલક રંજનબહેન માણેક- એમબીઇ, આસિસ્ટન્ટ કો.ઓર્ડિનેટર ચંદુભાઈ પટેલ, મંજુબહેન ખોખાણી અને ખજાનચી બીનાબહેન હાલાઈ સાથે ચર્ચા કરીશું
રંજનબહેન હેરોમાં ઓમ શક્તિ ડે સેન્ટર શરૂ કરવાનું કારણ શું?
રંજનબહેન માણેકઃ 30 વર્ષ પહેલાં કરેલા કોમ્યુનિટી કેસ કોર્સ દરમિયાન મને આ સેન્ટર ખોલવાની પ્રેરણા મળી. ઘણા લોકોની મુલાકાત અને માર્ગદર્શન બાદ ઘરેઘરે જઈને મેં આ સેન્ટર ખોલવાની ઇચ્છા વ્યક્ત કરતાં આપણી કોમ્યુનિટીના લોકો દ્વારા મને સહકાર મળતો ગયો. આ સેવા કાર્યમાં સેવા ઇન્ટરનેશનલ દ્વારા અમને મદદ કરવામાં આવતી હતી.
આ દરમિયાન મારો પુત્ર લંડન સેટ થતાં અમે અહીં આવ્યા. અહીં અમને રાજભાઈ પાણખાણિયા મળ્યા અને અહીં પણ સેન્ટર ખોલવાની ઇચ્છા વ્યક્ત કરી પીઠબળ પૂરું પાડ્યું. આમ અમે આ સેન્ટરની શરૂઆત કરી, જ્યાં ઘરમાં ને ઘરમાં મુંઝાઈ રહેલા લોકો આવીને સ્વસ્થ થાય છે. અમે દર બુધવારે હેરો લેઝર સેન્ટરમાં આ કાર્યક્રમ કરીએ છીએ.
ચંદુભાઈ તમે આ સંસ્થા સાથે કઈ રીતે જોડાયા?
ચંદુભાઈ પટેલઃ રિટાયર્ડ થયા બાદ એક્ટિવ રહેવા માટે હું જિમ જોઈન્ટ કરવા એક બુધવારે હેરો લેઝર સેન્ટર ગયો હતો. આ સમયે અહીં મને ભાનુભાઈ પંડ્યા મળ્યા. જેમની સામે મેં આપણા લોકો માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બસ ત્યારથી હું અને મારાં પત્ની આ સંસ્થા સાથે જોડાઈ ગયાં. અહીં અમને ખૂબ મજા આવે છે. અમને લાગે છે કે અમને અહીં ખૂબ મોટો પરિવાર મળી ગયો છે.
અહીં શું એક્ટિવિટી હોય છે?
રંજનબહેન માણેકઃ અહીં દર બુધવારે 10થી 11:30 સુધી મેમ્બર્સને યોગા કરાવીએ છીએ. અહીં મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરાવાય છે, આ સમયે 98 વર્ષ સુધીની મોટી ઉંમરની બહેનો-વૃદ્ધા પણ ખુશ થઈને નાચવાની સાથે કસરત કરતી હોય છે. અહીં આવતી આ વૃદ્ધ મહિલાઓના આશીર્વાદથી અમે પણ ખૂબ આનંદિત થઈએ છીએ.
કોકિલાબહેને કાર્યક્રમમાં હાજર મંજુબહેન ખોખાણીને પૂછયું કે, તમે આ સંસ્થામાં કેવી રીતે એક્ટિવ થયાં?
મંજુબહેન ખોખાણીઃ હું ઘણાં વર્ષોથી સમાજની સેવા સાથે જોડાયેલી છું. કચ્છ-માધાપર કોમ્યુનિટી- યુકે સાથે હું છેલ્લાં 24 વર્ષથી જોડાયેલી છું. 15 વર્ષથી વધુ સમય સુધી એનએચએસમાં કામ કર્યા બાદ 55 વર્ષની ઉંમરે હું નિવૃત્ત થઈ. નિવૃત્તિ બાદ મેં અને મારા પતિએ કોમ્યુનિટીના કામ કરવા અંગે નક્કી કર્યું હતું, જો કે 2018માં તેઓનું અવસાન થયું. જો કે અમે કોમ્યુનિટીની સેવા અંગે જે નક્કી કર્યું હતું, તે મુજબ હેરો લેઝર સેન્ટરમાં જિમમાં જતી હતી અને ત્યાં ચાલતા હેરો ઓમ શક્તિ ડે સેન્ટરમાં થતાં સુંદર કામને જોઈને તેમની સાથે જોડાઈ ગઈ. અહીં વોલેન્ટિયર્સના કામથી હું ખૂબ પ્રેરાઈ હતી અને કો.ઓર્ડિનેટરને ફોન કરી મારી જોડાવાની ઇચ્છા જણાવી.
બીનાબહેન તમે સંસ્થાનાં ખજાનચી તરીકે કેવી રીતે જોડાયા?
બીનાબહેનઃ મારાં માતા 3 અઠવાડિયાં માટે ભારત આવતાં હોવાથી તેમણે મને ઓમ શક્તિ ડે સેન્ટર ચલાવવા માટેની વાત કરી. આ ત્રણ અઠવાડિયામાં મેં અનુભવ્યું કે અહીં આવતાં વડીલો દ્વારા સંસ્થાના કામને વખાણવામાં આવી રહ્યું હતું. દર બુધવારે જ્યારે હું ત્યાં જતી અને તેમના ચહેરા પર સંતોષ જોતી ત્યારે મને પણ ખૂબ આનંદ મળતો હતો. આ ત્રણ અઠવાડિયાં મારા માટે 3 વર્ષ બની રહ્યાં. હું મારી જાતને અહીં સ્વયંસેવક જ માનું છું અને બાકીના 20 સ્વયંસેવકો સાથે મળીને કામ કરું છું. અમારા રજિસ્ટર્ડ મેમ્બર 180 છે, પરંતુ દર બુધવારે અહીં 80થી 100 મેમ્બર્સ આવે છે.
માતૃવંદનાના કાર્યક્રમને અનુરૂપ મીનાબહેન ત્રિવેદી દ્વારા ‘મા મુઝે અપને આંચલ મેં છુપાલે’, ‘ઉંગલી પકડ કે’, ‘તુ કિતની અચ્છી હૈ’ અને ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીતથી સુંદર માહોલનું સર્જન કરવામાં આવ્યું હતું.
રંજનબહેન માણેક તમે ત્યાં ગૌસેવા કઈ રીતે કરો છો?
રંજનબહેન માણેકઃ હું નાની હતી ત્યારથી મારાં બા કહેતાં કે ગૌસેવા એ સૌથી મોટી સેવા છે, તેનાથી વિશેષ કોઈ સેવા નથી. આપણા ધર્મના સંસ્કાર મારાં બા દ્વારા જ રેડાયાં છે. મારા ગૌસેવાના આ કાર્યમાં ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. અમે અહીં આ ધર્મકાર્ય માટે ફાળો ઉઘરાવું છું અને મીઠાપુર દિલીપભાઈને મોકલાવું છું, જેઓ શારીરિક 400 અશક્ત ગાયો સંભાળતી ગૌશાળામાં નિરણ નાખે છે. આ સાથે તેમના દ્વારા દાતાશ્રીઓના નામ સાથે વીડિયો બનાવે છે. અહીં ગાયોની સારવાર પણ થાય છે. આ માટે ત્યાં અમારા દ્વારા રૂ. 13 લાખના ખર્ચે ઓપરેશન થિયેટર પણ બનાવાયું છે. અહીં આસપાસનાં 4 ગામોની ઘાયલ ગાયોની સારવાર કરાય છે. અહીં ડોક્ટર્સ દ્વારા વોલેન્ટિયરી સેવા આપવામાં આવે છે.
માતૃવંદના કાર્યક્રમમાં માતા અંગેનો સંદેશ આપતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, મારાં માતાની કૂખે ચંદ્રકાંત પટેલ – એટલે કે મારો જન્મ આજના દિવસે એટલે કે ફાગણ વદ તેરસના દિવસે 88 વર્ષ પહેલાં થયો હતો. આ દુનિયામાં આશીર્વાદથી સર્વોપરિ કંઈ જ નથી. માતાના ઉદરથી બાળક અવતરે છે, ત્યારે વણલખ્યો કરાર કરે છે. માતાએ 9 મહિના સુધી બાળકને ઉદરમાં રાખ્યું, તો બાળકે પણ વ્યાજ ચૂકવવું જ પડે. એ અર્થમાં હું ઇચ્છું કે આપ સૌ સંકલ્પ કરજો કે આપણો જન્મ તમામ પ્રકારે સફળ જાય. માતાનો સંબંધ બાળક સાથે અતૂટ છે. આ અનુભવવાનો સંબંધ છે.