નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસે ગયેલા ભારતનાં પીએમ મોદી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એ દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી. બંને નેતાઓએ કેટલાક મહત્ત્વના ક્ષેત્રોમાં કરાર કર્યા હતા. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ દિસાનાયકે એ ભારતને ખાતરી આપી હતી કે શ્રીલંકાની જમીનનો ભારત વિરુદ્ધ ઉપયોગ થવા દઈશું નહીં. આમ શ્રીલંકાએ બંગાળનાં ઉપસાગર અને હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ અંગે ભારતની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્વતંત્રતા ચોક ખાતે પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી અપાઈ હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલીવાર સંરક્ષણ સેક્ટરમાં મહત્ત્વના કરાર કરવામાં આવ્યા હતા. બંને દેશોઓ ત્રિન્કોમાલીને ઊર્જાકેન્દ્ર તરીકે વિકસાવવા કરાર કર્યા હતા. શ્રીલંકાના પૂર્વ ક્ષેત્રમાં ભારત દ્વારા બહુક્ષેત્રીય અનુદાન સહાય પહોંચાડવા પણ કરાર કરાયા. મોદી અને દિસાનાયકેએ સામપુર સૌરઊર્જા પ્રોજેક્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું.
આર્થિક અને વિકાસ સહયોગ
ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નથી, પરંતુ જમીની સ્તરે વિકાસ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારત શ્રીલંકાના ખેડૂતોને સીધો સહયોગ આપશે. તેમણે ભારતીય મૂળના તમિળ (IOT) સમુદાય માટે રૂ. 10 હજાર કરોડની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરાર કર્યા, જેમાં માળખાગત સુવિધા, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
મહત્ત્વાકાંક્ષી કરાર પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે શનિવારે 5 એપ્રિલે પ્રથમ વખત એક મહત્ત્વાકાંક્ષી સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને પક્ષોએ ત્રિંકોમાલીને ઊર્જાકેન્દ્ર તરીકે વિકસાવવા માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના પૂર્વીય પ્રદેશને દિલ્હીની બહુક્ષેત્રીય ગ્રાન્ટ સહાય પહોંચાડવા અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે ડિજિટલ માધ્યમથી સંપુર સૌરઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે.
પ્રધાનમંત્રીની મહાબોધિ મંદિરની મુલાકાત
વડાપ્રધાન મોદીએ શ્રીલંકામાં ઐતિહાસિક નગર અનુરાધાપુરામાં જયા શ્રી મહાબોધિ મંદિરમાં દર્શન પણ કર્યાં. કોલંબોથી 200 કિ.મી. દૂર સ્થિત અનુરાધાપુરા પ્રાચીન આધ્યાત્મિક શહેર છે. જે 1300 વર્ષ સુધી શ્રીલંકાના રિયાઓ શાસકોની રાજધાની રહ્યું હતું અને હાલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે. મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મહાબોધિ મંદિરે મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી હતી.