વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ઓગસ્ટમાં વિનાશક પૂર આવ્યું હતું. નદીમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝની વિવિધ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તે સાથે સિંચાઈ વિભાગ દ્વારા પણ પોતાના ભાગમાં આવતી કામગીરીમાં 17 કિલોમીટર સુધીમાં જંગલ કટિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી દિવસમાં વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરી દેવાશે. આમ વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સરેરાશ 30 ટકા જેટલી કામગીરી પૂરી કરી દેવાઈ છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન હદમાંથી પસાર થતી 24.7 કિલોમીટર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી 100 દિવસમાં પૂરી કરવા માટે રાત-દિવસ એક કરી રહી છે. તે જ રીતે સિંચાઈ વિભાગને મારેઠાથી પીગલવાડા સુધીની 25 કિલોમીટર સુધીની કરવાની થતી કામગીરી શરૂ કરી દેવાઈ છે.