પશ્ચિમ બંગાળના એલઓપી શુભેન્દુ અધિકારીએ ભાજપના ધારાસભ્યોની સાથે મળીને રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તેઓ એસએસસી શિક્ષકોની નોકરી જવાના કેસમાં મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માગ કરી રહ્યા છે.
• છત્તીસગઢમાં 26 નક્સલીનું આત્મસમર્પણઃ દંતેવાડા ખાતે 3 ઇનામી નક્સલીઓ સહિત કુલ 26 નક્સલીઓ દ્વારા આત્મસમર્પણ કરવામાં આવ્યું. તાજેતરમાં જ મોટી સંખ્યામાં નક્સલી માર્યા ગયાં છે અથવા તો પછી શરણે આવી ગયા છે.
• દેશભરમાં યુસીસી લાગુ થવો જોઈએઃ કર્ણાટક હાઈકોર્ટે શનિવારે કહ્યું કે, દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જરૂરી છે, જેનાથી તમામ નાગરિકોને સમાન અધિકાર મળશે. કોર્ટે કેન્દ્ર સરકારને આવો કાયદો ઘડવાની અપીલ કરી છે.
• પંબન રેલવેબ્રિજનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 2.08 કિ.મી. લાંબા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ બિજ આધુનિક એન્જિનિયરિંગ અને સાંસ્કૃતિક વારસાના અદ્ભુત સંગમ સમાન છે, કેમ કે પંબન બ્રિજ ભારતનો પહેલો વર્ટિકલ રેલવે લિફ્ટ બ્રિજ છે.
• ડી.કે. શિવકુમારનો પ્રદેશ અધ્યક્ષપદ છોડવા ઇનકારઃ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારે પોતાના પદથી રાજીનામું આપવા ઈનકાર કર્યો છે. કર્ણાટક કોંગ્રેસમાં તેને પગલે આંતરિક સંઘર્ષ વધી ગયો છે. જોકે દિલ્હી મોવડી મંડળે હાલમાં ડીકે શિવકુમારને સમર્થન આપવાના સંકેત આપ્યા છે.
• સુપ્રીમ કોર્ટના તમામ જજ પોતાની સંપત્તિ ઘોષિત કરશેઃ સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ જજની સંપત્તિ સાર્વજનિક કરવાનું એલાન કરાયું છે. જે અંતર્ગત ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને પણ સંપત્તિ સાર્વજનિક કરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટની ફિલ કોર્ટે 1 એપ્રિલની પોતાની મીટિંગમાં આ નિર્ણય કર્યો હતો.
• વિદેશમાં 5 વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ પર 91 હુમલા, 30 મોતઃ રાજ્યવર્ધનસિંહે લોકસભામાં જાણકારી આપી કે, 5 વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા 91 વિદ્યાર્થી પર હુમલા થયા, જે પૈકી 30નાં મોત થયાં. કેનેડામાં સૌથી વધારે 27 હુમલા થયા હતા.
• લંડનથી મુંબઈ આવતા પ્રવાસીઓ ફસાયાઃ લંડનથી મુંબઈ જઈ રહેલી વર્જિન ફલાઇટમાં એક મુસાફરની તબિયત બગડ્યા બાદ ટેકનિકલ ખામી સર્જાતાં 200 મુસાફરો 18 કલાકથી વધુ સમય તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર ફસાયા હતા.