રિયાધ: સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત 14 દેશો માટે વિઝા પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે ઉમરાહ, હજ, વેપાર તેમજ પારિવારિક પ્રવાસ માટે વિઝા મંજૂરી પ્રભાવિત થશે. જૂનના મધ્ય સુધી આવા વિઝા પ્રતિબંધ અમલમાં રહેશે. એવું માનવામાં આવે છે કે હજ વખતે થતી ભીડને રોકવા સાઉદી અરેબિયા દ્વારા આ પગલું લેવાયું છે. હવે હજયાત્રા પૂરી થાય ત્યાં સુધી વિઝા પ્રતિબંધ અમલમાં રહેશે.
કયા-કયા દેશો પર વિઝા પ્રતિબંધ
સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇઝિરિયા, જોર્ડન, અલ્જિરિયા, સુદાન ઈથિયોપિયા, ટ્યૂનિશિયા, યમન અને મોરોક્કો સહિત 14 દેશો પર આ વિઝા પ્રતિબંધ મૂક્યો છે. જે લોકો રજિસ્ટ્રેશન વિના હજ કરવા આવી રહ્યા છે તેમને રોકવા આ પગલાં લેવાયાં હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે હજ યાત્રા સમયે અરાજકતા સર્જાઈ હતી તેને રોકવા માટે આ વખતે નિયંત્રણો લદાયાં છે. ગયા વર્ષે રજિસ્ટ્રેશન વિના અનેક લોકો હજ કરવા આવ્યા હતા. આ કારણે ભાગદોડ થતાં 1200 હાજીનાં મોત થયાં હતાં.