અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી-દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની સંતો મેદાને આવ્યા છે. આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારિબાપુએ ચેતવણી આપતાં કહ્યું કે, વર્ષો પહેલાં શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, સનાતન ધર્મ વિષે જે લોકો ખરાબ બોલે તેઓના દેવસ્થાનમાં ક્યારેય ન જવું. ભલે તમે હાથીના પગ નીચે કચડાઈ જાવ, પરંતુ સનાતન વિરુદ્ધ બોલનારાઓને કદી માફ ન કરી શકાય. હું દરેકને કહું છું કે, મેં આટલું કહ્યું છે તેનું મારે ઘણું પરિણામ ભોગવવું પડશે. હવેલીમાં રહેતો મોટામાં મોટો માણસ હોય કે મારા જેવો તુચ્છ વ્યક્તિ હોય, હવે બધાએ સમજી જવાનો સમય ફરી આવી ગયો છે.
મોરારિબાપુએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણાં પુસ્તકો બજારમાં વેચાઈ રહ્યાં છે. કેટલીક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવાઈ રહી છે, તેમાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી-દેવતા વિશે ન સાંભળી શકાય તેવી ટિપ્પણી કરાઈ છે અને આ બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી હોય તેવું બતાવાયું છે. ત્યારે સરકારી તંત્ર ચૂપ કેમ બેઠું છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આ અંગે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ અને પીઠાધીશ્વર મહેન્દ્રાનંગગિરિએ પણ કહ્યું કે, સનાતન ધર્મ વિરુદ્ધની કોઈ ટિપ્પણી કરતા હોય કે ખરાબ બોલતા હોય અથવા તો વિરુદ્ધનું કોઈ કાર્ય કરતા હોય તેવા લોકોના દેવસ્થાને જવું નહીં.