નવી દિલ્હીઃ અમેરિકાથી 104 ગેરકાયદે ગયેલા ભારતીય પ્રવાસીઓને ભારત લઈને આવેલા સૈન્ય વિમાન સી-17 ગ્લોબમાસ્ટર દ્વારા બુધવારે અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. જેમાં 11 કૂ મેમ્બર અને 45 અમેરિકન અધિકારી પણ સાથે આવ્યા છે. આ ગેરકાયદે પ્રવાસી ભારતીયોમાંથી 25થી ઓછી વયના 48 લોકો છે, જેમાંથી 13 સગીર અને તેમાં એક 4 વર્ષનું બાળક પણ છે. અમૃતસર પહોંચનારા કેટલાક લોકોને પોલીસની ગાડીમાં તેમના ગામ લઈ જવામાં આવ્યા. અન્ય રાજ્યના લોકોને ફ્લાઇટ મારફતે મોકલવામાં આવ્યા.
વધુ 487 ભારતીયોને ટૂંકમાં ડિપોર્ટ કરાશે
ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, જે પૈકી 298 લોકોની વિગત ભારતને આપવામાં આવી છે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, 104 ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે.
યુએસની ભારતીયોને ચેતવણી
અમેરિકાએ ગેરકાયદે ભારતીય વસાહતીઓને અપમાનજનક રીતે કાઢી મૂકવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે તેવા સમયે કેન્દ્ર સરકારના ઇનકાર પછી યુએસ બોર્ડર પેટ્રોલે સોશિયલ મીડિયા પર ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ બાંધીને લઈ જવાનો વીડિયો જાહેર કરવા સાથે ચેતવણી આપી કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરશો તો આવી રીતે પોતાના દેશ પાછા મોકલવામાં આવશે.
ડિપોર્ટ લોકો 20 દેશમાં નહીં જઈ શકે
અમેરિકાથી ડિપોર્ટ થઈ પરત આવેલા આ ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ ભવિષ્યમાં જો કાયદેસરના પુરાવા સાથે અમેરિકા જવાનો પ્રયાસ કરશે તો પણ વિઝા મળશે નહીં. આ સાથે કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રોલિયા, બ્રિટન સહિત 20 દેશમાં પણ નહીં જઈ શકે, કેમ કે અમેરિકાની વિઝા નીતિ અંદાજિત 20 દેશ ફોલો કરે છે.
ભારતમાં કેસ થશે?
ડિપોર્ટ થયેલા લોકોની સ્થાનિક પોલીસ તપાસ કરશે કે તેઓ અમેરિકામાં કેવી રીતે પહોંચ્યા. તેમાંથી કેટલાક એવા હોઈ શકે જેઓ ટૂરિસ્ટ વિઝાથી અમેરિકા ગયા અને ગેરકાયદે ત્યાં જ રહેવા લાગ્યા. આ પ્રવાસી સામે ભારતમાં કોઈ કેસ કરાશે નહીં, કેમ કે ગુનો અમેરિકાની જમીન પર થયો છે.
હાથકડી પહેરાવવી અમેરિકાની નીતિઃ જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે, ગેરકાયદે ભારતીયોને પરત મોકલાયા છે. આવું કાંઈ પહેલીવાર નથી થયું. 2012થી જ ડિપોર્ટેશન હેઠળ મિલિટરી પ્લેનથી લોકોને હાથકડી પહેરાવી પરત મોકલાતા રહ્યા છે.